Bhavnagar Human Milk Bank News: માતાનું દૂધ નવજાત શિશુ માટે અમૃત સમાન ગણાય છે, પરંતુ કેટલીકવાર સમય પહેલાં જન્મ (Pre-term) અથવા ઓછા વજન (IUGR) જેવા તબીબી કારણોસર શિશુઓને માતાનું દૂધ સમયસર મળી શકતું નથી. આવા માસૂમ બાળકોના સ્વાસ્થ્ય રક્ષણ માટે ભાવનગરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્રના પ્રથમ 'Comprehensive Lactation Management Centre' (CLMC) એટલે કે જીવન અમૃત હ્યુમન મિલ્ક બેંકનો શુભારંભ કરવામાં આવ્યો છે.
રૂ. 30 લાખના ખર્ચે આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ નિર્માણ
આ સેન્ટર સરકારી ગ્રાન્ટ અને દાતાઓના આર્થિક સહયોગથી અંદાજે રૂ. 30 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. વર્ષ 2019માં આ પ્રોજેક્ટને મંજૂરી મળ્યા બાદ, વર્ષ 2022માં બાળરોગ વિભાગના વડા ડૉ. મેહુલ ગોસાઈએ સિંગાપોરની જાણીતી K K Women’s Hospital ખાતેના CLMC સેન્ટરનો અભ્યાસ કર્યો હતો. તબીબી કોલેજના ડીન ડૉ. ચિન્મય શાહ અને હોસ્પિટલ તબીબી અધિક્ષકની દેખરેખ હેઠળ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં મોક ટ્રાયલ પૂર્ણ કર્યા બાદ હવે આ સુવિધા વિધિવત રીતે શરૂ કરી દેવાઈ છે.
સુરક્ષિત પેશ્ચ્યુરાઇઝેશન અને વિતરણ પ્રક્રિયા
આ મિલ્ક બેંકમાં સ્વસ્થ ધાત્રી માતાઓ પાસેથી સ્વૈચ્છિક રીતે મળેલા દૂધને એકત્રિત કરી, તેની જરૂરી તબીબી તપાસ અને પેશ્ચ્યુરાઇઝેશન (Pasteurization) કરવામાં આવશે. ત્યારબાદ જ તેને અત્યાધુનિક પદ્ધતિથી સ્ટોર કરીને જરૂરિયાતમંદ શિશુઓને અપાશે. પ્રારંભિક તબક્કામાં હોસ્પિટલમાં જન્મેલાં ગંભીર કે નબળાં શિશુઓને આ દૂધ પૂરું પાડવામાં આવશે, જ્યાં દૈનિક 1500થી 2000 મિલીલીટર દૂધની જરૂરિયાત રહેવાની અપેક્ષા છે.
ધાત્રી માતાઓને દૂધદાન માટે વિશેષ અપીલ
પોતાના બાળકને ધાવણ આપ્યા બાદ જે ધાત્રી માતાઓ પાસે વધારાનું દૂધ ઉપલબ્ધ હોય, તેઓ સ્વૈચ્છિક રીતે આ મહાદાનમાં જોડાઈ શકે છે. આ દૂધદાન પ્રક્રિયા સંપૂર્ણપણે નિઃશુલ્ક અને ગોપનીય રહે છે.
માહિતી અને દૂધદાન માટે સંપર્ક નંબર: 7046501184
સમય: સવારે 9:00થી સાંજે 6:00 વાગ્યા સુધી
આ ઉદ્ઘાટન પ્રસંગે આરોગ્ય વિભાગના વિભાગીય નાયબ નિયામક ડૉ. હરેશ વાળા, RMO ડૉ. તુષાર આદેશરા, IMA અને BMAના હોદ્દેદારો તથા તબીબી ક્ષેત્રના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
