ભાવનગર મેડિકલ કોલેજના પ્રોફેસરનું શંકાસ્પદ મોત, ફ્લેટમાં કોહવાયેલો મૃતદેહ મળ્યો: 4 દિવસથી ફોન બંધ હતો

ભાવનગરની સરકારી મેડિકલ કોલેજના એસોસિયેટ પ્રોફેસર મૃતક ડૉ. કિન્નર દેસાઈ મૂળ અમદાવાદના વતની છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 25 Sep 2026 03:42 PM (IST)Updated: Fri, 25 Sep 2026 03:42 PM (IST)
bhavnagar-medical-college-professor-kinnar-desai-death-decomposed-dead-body-found-in-flat
Bhavnagar Professor Death

Bhavnagar Professor Death: ભાવનગરની સરકારી મેડિકલ કોલેજના એનાટોમી વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડૉ. કિન્નર દેસાઈનો ગોકુળધામ સ્થિત બંધ ફ્લેટમાંથી કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. છેલ્લા ચાર દિવસથી તબીબ ગેરહાજર હોવાથી સાથી પ્રોફેસરે પોલીસને જાણ કરી હતી, જે બાદ દરવાજો તોડીને તપાસ કરતા બેડ પરથી મૃતદેહ કબ્જે લેવામાં આવ્યો હતો.

4 દિવસથી સંપર્ક વિહોણા, સાથી તબીબે પોલીસને કહ્યું

મૂળ અમદાવાદના વતની ડૉ. કિન્નર દેસાઈ ભાવનગરની સરકારી મેડિકલ કોલેજના એનાટોમી વિભાગમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ છેલ્લા 4 દિવસથી કોલેજમાં ગેરહાજર હતા અને ફોન પર પણ તેમનો સંપર્ક થઈ શકતો ન હતો. વિભાગના સાથી તબીબે શંકા જતાં તાત્કાલિક પોલીસને આ અંગે જાણ કરી હતી. માહિતી મળતાં જ ભરતનગર પોલીસ મથકના PI સહિતનો પોલીસ કાફલો તપાસ અર્થે તબીબના નિવાસ્થાને પહોંચ્યો હતો.

ફાયર બ્રિગેડે દરવાજો તોડ્યો, દુર્ગંધ વચ્ચે બેડ પર મૃતદેહ

ડૉ. કિન્નર દેસાઈ ગોકુળધામ સોસાયટીના K વિંગમાં આવેલા ફ્લેટ નંબર 201 માં રહેતા હતા. ફ્લેટ બહારથી બંધ હોવાથી અને અંદરથી તીવ્ર દુર્ગંધ આવતી હોવાથી પોલીસે ફાયર બ્રિગેડના સ્ટાફને બોલાવી દરવાજો તોડાવ્યો હતો. ફાયર સ્ટાફની મદદથી અંદર પ્રવેશતા જ શંકાસ્પદ પરિસ્થિતિમાં ડૉ. દેસાઈનો મૃતદેહ બેડ પર કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક મૃતદેહનો કબજો મેળવી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

PM રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ (પીએમ) અર્થે સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. મેડિકલ કોલેજના પ્રોફેસરના આ રીતે અકાળે અવસાન થવાના અહેવાલથી સમગ્ર મેડિકલ આલમમાં શોકની લાગણી ફેલાઇ છે. હાલના તબક્કે આ મૃત્યુ કુદરતી છે કે અન્ય કોઈ કારણોસર થયું છે તે અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા થઈ નથી. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું અને સચોટ કારણ બહાર આવશે.