ભાવનગરના આપ ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર, એફિડેવિટમાં વિસંગતતા હોવાની કરાઇ હતી અરજી

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 21 Apr 2024 03:11 PM (IST)Updated: Sun, 21 Apr 2024 03:11 PM (IST)
bhavnagar-lok-sabha-seat-2024-form-of-aap-candidate-umesh-makwana-approved

Bhavnagar News: સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય થયું છે જ્યારે ઇન્ડિયા ગઠબંધનના ભાવનગરના આપ ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર કરવામાં આવ્યું છે. ભાજપ તરફથી આપના ઉમેદવારના ફોર્મ સામે વાંધા અરજી કરવામાં આવતા આજે રવિવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. એક કલાક ચાલેલી સુનાવણી બાદ આપ ઉમેદવારનું ફોર્મ મંજૂર કરવામાં આવ્યું હતુ. આવકના સ્ત્રોત અને અભ્યાસમાં યુનિવર્સિટી કોલેજ કે પાસ કર્યાનું વર્ષની માહિતી છુપાવવામાં આવી હોવાનો પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.

આમ આદમી પાર્ટીના ભાવનગરના ઉમેદવાર ઉમેશ મકવાણાની ઉમેદવારી સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નિમુબેન બાંભણિયાના પ્રતિનિધિ ઉત્પલ દવે દ્વારા વાંધા અરજી કરાઈ હતી. અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, 2018-19ની આવક સામે લોકસભાની ચૂંટણીમાં રજૂ કરવામાં આવેલા સોગંદનામા રિટર્નમાં દર્શાવવામાં આવેલી આવકમાં તફાવત છે.

ભાજપ દ્વારા વાંધા અરજી કરવામાં આવતા ચૂંટણી અધિકારી દ્વારા રવિવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. એક કલાક સુધી આ સુનાણી ચાલી હતી. સુનાવણી દરમિયાન આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા પોતાનો જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. બન્ને પક્ષને સાંભળ્યા બાદ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર કરવામાં આવ્યું હતું. ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર થતાં ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરો ઝૂમી ઉઠ્યા હતા.