Bhavnagar Hooch Tragedy: ભાવનગર જિલ્લાના વરતેજ પંથકમાં ગત 18 ઓગસ્ટના રોજ સર્જાયેલા લઠ્ઠાકાંડ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા અદાલતમાં 1 લાખ પાનાની દળદાર અને વિશાળ ચાર્જશીટ સબમિટ કરવામાં આવી છે. આ બનાવમાં કેમિકલયુક્ત દારૂનું સેવન કરવાના કારણે 14 નિર્દોષ નાગરિકોના મોત નીપજ્યા હતા, જેના કારણે રાજ્યભરમાં ભારે રોષ ફેલાયો હતો.
આ ઘટનાની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ને સોંપાયા બાદ તપાસ એજન્સીએ ઊંડાણપૂર્વક સઘન તપાસ હાથ ધરીને પોલીસ કર્મચારી સહિત કુલ 42 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જ્યારે આ આખા ગુનાહિત ષડયંત્રમાં સંડોવાયેલા અને હાલ નાસતા ફરતા અન્ય 10 જેટલા આરોપીને સત્તાવાર રીતે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
આ કેસને મજબૂતાઈથી રજૂ કરવા અને દોષિતોને સખતમાં સખત સજા અપાવવાના હેતુથી આશરે 1 લાખ પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે. આ ચાર્જશીટમાં અનેક મહત્વપૂર્ણ અને વૈજ્ઞાનિક પુરાવાઓ સામેલ છે. જ્યારે ફરાર 10 વોન્ટેડ આરોપીને ઝડપી લેવા માટે પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને તપાસ વધુ તેજ કરવામાં આવી છે.
SMC દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજી પુરાવામાં આરોપીઓ વચ્ચે થયેલા નાણાકીય વ્યવહારો સાબિત કરતી મની ટ્રેલ, ઘટનાસ્થળ તેમજ વિવિધ માર્ગો પરથી મેળવાયેલા CCTV ફૂટેજ, આરોપીઓ વચ્ચે થયેલી વાતચીતના કોલ ડીટેલ રેકોર્ડ્સ (CDR) અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ના મહત્વપૂર્ણ ટેક્નિકલ તથા વૈજ્ઞાનિક પુરાવાની સંપૂર્ણ વિગતો સામેલ છે.
વધુમાં, તપાસ એજન્સી SMC દ્વારા તપાસ દરમિયાન અન્ય રાજ્યોમાંથી જીવલેણ મિથેનોલ કેમિકલ લાવીને સ્થાનિક સ્તરે તેનું ગેરકાયદે વિતરણ કરતી આંતરરાજ્ય ચેઇનનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મેળવી છે. આ ગેરકાયદે કેમિકલ નેટવર્ક સામે કડક કાર્યવાહી કરીને તપાસ ટીમે ગુના સંબંધિત રૂ. 22 લાખનો મુદ્દામાલ પણ સફળતાપૂર્વક કબ્જે કર્યો છે.
