Bhavnagar Rain: છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ખાસ કરીને અમરેલી, ભાવનગર અને બોટાદ સહિતના જિલ્લાઓમાં મુસળધાર વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદના પગલે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે અને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.
આ ભારે વરસાદના પરિણામે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક થઈ હતી. નોંધનીય છે કે, શેત્રુંજી ડેમ માત્ર 19 કલાકમાં જ સંપૂર્ણ ભરાઈ ગયો હતો. ડેમ છલકાઈ જતાં, પાણીનો પ્રવાહ નિયંત્રિત કરવા માટે શેત્રુંજી ડેમના 20 દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલમાં ડેમમાંથી 1800 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારો અને નદી કિનારે આવેલા ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો
છેલ્લા બે દિવસથી ભાવનગર જિલ્લામાં તેમજ પાલીતાણા અને તળાજા તાલુકાના ગામડાઓમાં વરસાદ વરસતો હોઈ શેત્રુંજી ડેમમાં પાણીની સારી આવક થતા તા. 17 જૂનના રોજ બપોરે એક કલાકે શેત્રુંજી ડેમ 100% ભરાઈ ગયો હતો. શેત્રુંજી ડેમ 100% ભરાતા પાલીતાણા તાલુકાના અસરગ્રસ્ત ગામો નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર અને મેઢા તેમજ તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપરને એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા.
ભાવનગર જિલ્લામાં આવતીકાલે તમામ શાળાઓમાં રજા જાહેર
અતિશય વરસાદના પગલે ભાવનગર જિલ્લામાં આવતીકાલે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ભાવનગરના કલેક્ટર ડો. મનીષ બંસલ દ્વારા જણાવવામાં આવ્યું છેકે ભાવનગર જિલ્લામાં અતિશય વરસાદના લીધે કાલે તારીખ 18 જૂન 2025ના દિવસે તમામ શાળાઓ બંદ રહેશે. આ ઓર્ડર પ્રિ પ્રાઇમરીથી માંડીને હાયર સેકન્ડરી સુધી ના તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલો માટે લાગુ રહેશે.
