ભાવનગર જિલ્લામાં ફૂડ સેફ્ટી અંગે કલેક્ટરનું કડક જાહેરનામું: હોટેલ, રેસ્ટોરન્ટ અને ક્લાઉડ કિચનના રસોડામાં CCTV કેમેરા લગાવવા ફરજિયાત

જાહેરનામા અનુસાર, ગ્રાહકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે રસોડાના મુખ્ય વિસ્તારો જેવા કે રો-મટિરિયલ સ્ટોરેજ, મેઇન કુકિંગ પ્લેટફોર્મ, પ્રવેશ-નિકાસ દ્વાર અને વાસણ ધોવાના એરિયા પર ઉચ્ચ ગુણવત્તાવાળા કેમેરા લગાવવાના રહેશે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 16 Sep 2026 07:43 AM (IST)Updated: Wed, 16 Sep 2026 07:43 AM (IST)
bhavnagar-collector-notification-mandatory-cctv-in-hotel-restaurant-kitchens
ભાવનગર સમાચાર

Bhavnagar News: ભાવનગર જિલ્લાના નાગરિકો અને ગ્રાહકોના સ્વાસ્થ્ય, આહારની શુદ્ધતા તેમજ સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. મનીષ કુમાર બંસલે તેમને મળેલી સત્તાની રૂએ સમગ્ર ભાવનગર જિલ્લામાં હોટેલો, રેસ્ટોરન્ટો, ક્લબ, કેન્ટીનો, કેફે અને ક્લાઉડ કિચન જેવાં તમામ ફૂડ સર્વિસ સ્થળોના કિચન (રસોડા) તથા ફૂડ સ્ટોરેજ એરિયામાં CCTV કેમેરા સિસ્ટમ સ્થાપિત કરવાનું ફરજિયાત બનાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

CCTV મોનિટરિંગ અને 15 દિવસનું રેકોર્ડિંગ કમ્પલસરી

જાહેરનામા અનુસાર, ગ્રાહકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે રસોડાના મુખ્ય વિસ્તારો જેવા કે રો-મટિરિયલ સ્ટોરેજ, મેઇન કુકિંગ પ્લેટફોર્મ, પ્રવેશ-નિકાસ દ્વાર અને વાસણ ધોવાના એરિયા પર ઉચ્ચ ગુણવત્તાવાળા કેમેરા લગાવવાના રહેશે. ગ્રાહક સુરક્ષા, ફૂડ સેફ્ટી ઓડિટ અને કાનૂની તપાસના હેતુસર તમામ CCTV ફૂટેજનું 15 દિવસ સુધીનું બેકઅપ ડેટા અને ટાઈમ સ્ટેમ્પિંગ સાથે સંગ્રહિત રાખવું ફરજિયાત રહેશે. વહીવટી તંત્ર કે ફૂડ સેફ્ટી ઓફિસર (FSO) માંગે ત્યારે આ ફૂટેજ ત્વરિત પૂરા પાડવાના રહેશે.

'ઓપન કિચન' અને લાઇવ ડિસ્પ્લેને પ્રોત્સાહન

ગ્રાહકોમાં પારદર્શિતા અને વિશ્વાસ વધારવા માટે કિચનના આ લાઇવ CCTV ફીડને ડાઇનિંગ હોલ અથવા વેઇટિંગ એરિયામાં મોટી TV સ્ક્રીન પર પ્રદર્શિત કરવા સંચાલકોને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, હોટેલ કે રેસ્ટોરન્ટના પ્રવેશદ્વાર અને બિલિંગ કાઉન્ટર પર “આ સંસ્થા ગ્રાહકોના હિત અને સ્વાસ્થ્ય માટે કિચન CCTV મોનિટરિંગ હેઠળ છે” તેવું બોર્ડ લગાવવું પડશે.

30 દિવસની મુદત અને ઉલ્લંઘન પર કડક કાર્યવાહી

આ જાહેરનામાનો અમલ જાહેર થયાના ૩૦ દિવસની અંદર તમામ સંચાલકોએ કરવાનો રહેશે. જો કોઈ સંચાલક આ જાહેરનામાનો ભંગ કરશે કે ફૂટેજ સાથે છેડછાડ કરશે, તો તેની સામે ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131 મુજબ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા મામલતદાર, ફૂડ સેફ્ટી ઓફિસર્સ અને હેડ કોન્સ્ટેબલથી ઉપરના પોલીસ અધિકારીઓને આ કાયદાના અમલીકરણ માટે અધિકૃત કરવામાં આવ્યા છે.