Bhavnagar-Botad Trains: ભાવનગર-બોટાદના મુસાફરો માટે સારા સમાચાર, આ ત્રણ સ્પેશિયલ ટ્રેન નિયમિત દોડાવાશે, જાણો સમગ્ર વિગતો

આ ફેરફાર હેઠળ ધોળા-ભાવનગર ટર્મિનસ, ગાંધીગ્રામ-ભાવનગર ટર્મિનસ અને ગાંધીગ્રામ-બોટાદ રૂટની ટ્રેનોના નંબર અને શ્રેણીમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 22 May 2026 12:09 PM (IST)Updated: Fri, 22 May 2026 12:24 PM (IST)
bhavnagar-botad-special-trains-regular-service-timings-routes

Bhavnagar-Botad Trains Routes and Timings: પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા મુસાફરોની સતત વધતી માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ત્રણ જોડી સ્પેશિયલ ટ્રેનોને જૂન 2026થી નિયમિત પેસેન્જર ટ્રેનો તરીકે કાર્યરત કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે બોર્ડ દ્વારા લેવાયેલા આ નિર્ણયના પરિણામે મુસાફરોને હવે પૂર્વ આયોજનમાં સરળતા રહેશે અને ભાડામાં ઘટાડો થવાથી આર્થિક રાહત પણ મળશે.

ભાવનગર મંડળના રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ નિર્ણય અંગે વિગતો આપતા વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, સ્પેશિયલ ટ્રેનોને નિયમિત શ્રેણીમાં પરિવર્તિત કરવાથી મુસાફરોને કિફાયતી અને સુલભ મુસાફરીનો લાભ મળશે. આ ફેરફાર હેઠળ ધોળા-ભાવનગર ટર્મિનસ, ગાંધીગ્રામ-ભાવનગર ટર્મિનસ અને ગાંધીગ્રામ-બોટાદ રૂટની ટ્રેનોના નંબર અને શ્રેણીમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

ધોળા–ભાવનગર ટ્રેનની સમય સહિતની વિગતો

રેલવે પ્રશાસન દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, ટ્રેન નંબર 09529/09530 ધોળા–ભાવનગર ટર્મિનસ દૈનિક સ્પેશિયલ હવે ટ્રેન નંબર 59239/59240 ધોળા–ભાવનગર દૈનિક પેસેન્જર તરીકે ઓળખાશે. આ ફેરફાર 01 જૂન 2026થી અમલી બનશે. ટ્રેન નંબર 59239 ધોળાથી સવારે 11.30 કલાકે રવાના થઈ બપોરે 12.50 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે, જ્યારે પરત ફરતી ટ્રેન 59240 ભાવનગર ટર્મિનસથી બપોરે 1.15 કલાકે ઉપડી બપોરે 2.35 કલાકે ધોળા પહોંચશે. આ ટ્રેન સણોસરા, બજુડ, સોનગઢ, સિહોર, ખોડિયાર મંદિર, વરતેજ અને ભાવનગર પરા સ્ટેશનો પર ઉભી રહેશે.

ગાંધીગ્રામ–ભાવનગર ટ્રેનની સમય સહિતની વિગતો

ગાંધીગ્રામ–ભાવનગર ટર્મિનસ રૂટ પર ટ્રેન નંબર 09215/09216 હવે ટ્રેન નંબર 59231/59232 તરીકે દોડશે. ટ્રેન નંબર 59231 ગાંધીગ્રામથી સવારે 6.35 કલાકે પ્રસ્થાન કરી સવારે 11.25 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે, જેનો અમલ 02 જૂન 2026થી થશે. પરત દિશામાં ટ્રેન નંબર 59232 ભાવનગરથી સાંજે 5 કલાકે ઉપડી રાત્રે 9.55 કલાકે ગાંધીગ્રામ પહોંચશે, જેનો અમલ 01 જૂન 2026થી થશે. આ ટ્રેન વસ્ત્રાપુર, સરખેજ, બાવળા, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશનો પર ઉભી રહેશે.

ગાંધીગ્રામ-બોટાદ રૂટમાં ફેરફાર સાથેની વિગતો

ગાંધીગ્રામ–બોટાદ દૈનિક સ્પેશિયલ (09211/09212) હવે ટ્રેન નંબર 59237/59238 પેસેન્જર તરીકે સંચાલિત થશે. આ ટ્રેન ગાંધીગ્રામથી સવારે 9.15 કલાકે ઉપડી બપોરે 1.30 કલાકે બોટાદ પહોંચશે, જ્યારે બોટાદથી બપોરે 2.05 કલાકે રવાના થઈ સાંજે 6.05 કલાકે ગાંધીગ્રામ પરત ફરશે. આ રૂટ પર ટ્રેન વસ્ત્રાપુર, સરખેજ, મોરૈયા, મટોડા, બાવળા, ધોળકા, ગોધનેશ્વર, કોઠ ગાંગડ, અરનેજ, લોથલ ભુરખી, લોલિયા, હડાળા ભાલ, ધોળી ભાલ, રાયકા, ધંધુકા, તગડી, ભીમનાથ, ચંદરવા, જાલિલા રોડ, સારંગપુર રોડ અને અલાઉ સ્ટેશનો પર રોકાશે. આ ફેરફાર 01 જૂન 2026થી લાગુ કરવામાં આવશે.