Bagdana Controversy: બગદાણાના કોળી યુવક પર જીવલેણ હુમલા કેસમાં ભાવનગરની જેલમાં બંધ જયરાજ આહીરને આખરે બેરેક ફાળવી દેવામાં આવી છે. આ સાથે જ જયરાજ આહીરને જેલમાં રહીને 6 દિવસ બાદ ઘરનું ભોજન પણ મળી શકશે.
હકીકતમાં બગદાણા આશ્રમના સેવક એવા કોળી યુવક નવનીત બાધલિયાએ પોતાના પર થયેલા હુમલા પાછળ લોકકલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજની સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો હતો. જે બાદ આ સમગ્ર કેસની તપાસ માટે રચવામાં આવેલી SIT દ્વારા જયરાજ આહીરની પૂછપરછ કરવામાં આવી હતી. 24 જાન્યુઆરીએ SITએ જયરાજ આહીરને પૂછપરછ માટે બોલાવ્યા બાદ હુમલામાં તેની સંડોવણી ખુલતા ધરપકડ કરવામાં આવી હતી.
જયરાજ આહીરને જેલમાં ઘરનું ભોજન મળશે
24 જાન્યુઆરીએ ધરપકડ બાદ બીજા દિવસે મહુવા કોર્ટ દ્વારા જ્યુડિશિયલ કસ્ટડીનો હુકમ કરતાં જયરાજ આહીરને ભાવનગરની સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યો હતો. આમ 25 જાન્યુઆરીથી જયરાજ આહીર ભાવનગર સેન્ટ્રલ જેલની જનરલ બેરેકમાં કેદ હતો. આ દરમિયાન જયરાજ આહીર જેલની લાઈબ્રેરીમાં પુસ્તકો વાંચીને પોતાના દિવસો કાઢતો હતો. જો કે 27 જાન્યુઆરીના રોજ જયરાજ આહીરને ભાવનગર સેન્ટ્રલ જેલની 11 નંબરની બેરેક ફાળવી દેવામાં આવી છે.
બીજી તરફ માયાભાઈ આહીરના પરિવારજનો દ્વારા અરજી કરવામાં આવી હતી કે, જયરાજને જેલની અંદર ભોજન અને પહેરવા-ઓઢવા માટે ઘરેથી વ્યવસ્થા કરવામાં આવે. આહીર પરિવારની આ માંગને ભાવનગર જિલ્લા જેલ તંત્ર દ્વારા મંજૂર કરી દીધી છે. આથી હવે 6 દિવસ બાદ જયરાજ આહીર ઘરનું ભોજન જમી શકશે.
જણાવી દઈએ કે, અત્યાર સુધી જયરાજ આહીરને ભાવનગર જેલની જનરલ બેરેકમાં રાખવામાં આવ્યા હતા. જેલના નિયમો અનુસાર, જ્યાં સુધી આરોપી જનરલ બેરેકમાં હોય, ત્યાં સુધી તેને જેલની જ વસ્તુઓનો ઉપયોગ કરવો પડે છે. જો કે હવે જયરાજને સ્પેશિયલ બેરેક ફાળવી દેવામાં આવી હોવાથી તેને ઘરનું જમવાનું મળશે.
8 આરોપીઓએ જામીન માટે અરજી કરી
કોળી યુવક પર હુમલો કરનારા કુલ 14 આરોપીઓ હાલ જેલમાં છે. જે પૈકી રાજુ ભમ્મર, આતુ ભમ્મર, ભાવેશ છેલાણા, વિરેન્દ્ર પરમાર, પંકજ મેર, સની વનાલિયા અને ઉત્તમ બાંભણિયા સહિત 8 આરોપીઓ મહુવા કોર્ટમાં નિયમિત જામીન માટે અરજી મૂકી હતી. ગઈકાલે આ સમગ્ર મામલે મહુવા કોર્ટમાં સુનાવણી થઈ હતી. જો કે કોર્ટે મુદ્દત આપતા હવે આ મામલે આગામી 2 ફેબ્રુઆરીએ વધુ સુનાવણી હાથ ધરાશે.
