Bagdana controversy: જયરાજ આહીરે જેલની બહાર નીકળતા જ હાથમાં બતાવી 'ભગવદ્ ગીતા', વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

જયરાજ જ્યારે ભાવનગર જેલના દરવાજાની બહાર આવ્યો ત્યારે તેના હાથમાં 'શ્રીમદ્ ભગવદ્ ગીતા' જોવા મળી હતી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sun, 08 Feb 2026 12:10 PM (IST)Updated: Sun, 08 Feb 2026 12:10 PM (IST)
bagdana-controversy-jayraj-ahir-shows-bhagavad-gita-in-his-hand-as-soon-as-he-comes-out-of-jail-video-goes-viral-on-social-media

Jayaraj Ahir News: બગદાણાના કોળી યુવાન નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં સંડોવાયેલા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર સહિત કુલ 6 આરોપીઓના શરતી જામીન મહુવા કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. 14 દિવસ સુધી ભાવનગર જેલમાં રહ્યા બાદ આજે જયરાજ આહીરની જેલમુક્તિ થઈ હતી.

હાથમાં ભગવત ગીતા સાથે જેલની બહાર આવ્યો જયરાજ

જયરાજ આહીરની જેલમુક્તિ સમયે એક દ્રશ્ય ખાસ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. જયરાજ જ્યારે ભાવનગર જેલના દરવાજાની બહાર આવ્યો ત્યારે તેના હાથમાં 'શ્રીમદ્ ભગવદ્ ગીતા' જોવા મળી હતી. જેલની બહાર ઉભેલા સમર્થકો અને મિત્રો સાથે હાથ મિલાવતી વખતે અને ત્યારબાદ કારમાં બેસીને રવાના થતી વખતે પણ તેણે પોતાના હાથમાં રહેલી ગીતાજી બતાવી હતી. સોશિયલ મીડિયા પર આ દ્રશ્યોના વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

કોર્ટની કાર્યવાહી અને જામીન

નવનીત બાલધિયા હુમલા કેસમાં જયરાજ આહીર, નાજુ કામળિયા, કાના ભીખાભાઇ કામળિયા, સંજય ચાવડા, દિનેશ ઉર્ફે દાદુ સોલંકી અને અજય ઉર્ફે મોટો ભાલિયાએ મહુવા કોર્ટમાં જામીન અરજી કરી હતી. બંને પક્ષના વકીલો વચ્ચે થયેલી લાંબી દલીલોના અંતે કોર્ટે તમામ 6 આરોપીઓના શરતી જામીન મંજૂર કરવાનો આદેશ આપ્યો હતો.

શું હતો સમગ્ર વિવાદ?

આ ઘટનાની મૂળ શરૂઆત બગદાણા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીના નામ અંગેના વિવાદથી થઈ હતી. ફરિયાદી નવનીત બાલધિયાના જણાવ્યા મુજબ, મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ નવનીતે ફોન કરીને આ બાબતે સુધારો કરવા કહેતા માયાભાઈએ માફી માંગતો વીડિયો મોકલ્યો હતો. અને આ વીડિયો નવનીતે પોતાના મિત્રોને મોકલતા જયરાજ આહીર ઉશ્કેરાયો હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ 29 ડિસેમ્બર, 2025ના રોજ આઠ શખ્સોએ નવનીત પર હુમલો કર્યો હતો. નવનીત બાલધિયાએ આક્ષેપ કર્યો હતો કે હુમલાખોરો હુમલા દરમિયાન કોઈની સાથે વીડિયો કોલ પર વાત કરતા હતા, જે અંગે પોલીસે ટેકનિકલ તપાસ પણ હાથ ધરી છે.

તપાસનો ઘટનાક્રમ

આ કેસમાં પોલીસે અત્યાર સુધી મોબાઈલ લોકેશન અને ટેકનિકલ વિગતોના આધારે તપાસ કરી છે. 19 જાન્યુઆરીએ નવનીતનું નિવેદન લીધા બાદ 21 જાન્યુઆરીએ જયરાજને પૂછપરછ માટે બોલાવાયો હતો અને ત્યારબાદ તેની ધરપકડ થઈ હતી. આ ઉપરાંત હુમલામાં સામેલ ઉત્તમ બાંભણિયા અને અજય ભાલિયાની પણ ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં શરતી જામીન મળતા આરોપીઓ બહાર આવ્યા છે, પરંતુ કેસની તપાસ હજુ ચાલુ છે. આ ઘટનાને પગલે બગદાણા અને મહુવા પંથકમાં જ્ઞાતિગત સમીકરણો અને સામાજિક ચર્ચાઓએ જોર પકડ્યું છે.