બગદાણા હુમલામાં રાજકરણ ગરમાયું: નવનીત બાલધીયાને મળવા AAP ના રાજુ સોલંકી હોસ્પિટલ પહોંચ્યા

બગદાણા ગુરુ આશ્રમના સેવક નવનીત બાલધીયા પર 29 ડિસેમ્બરની રાત્રે મોનપર ગામ નજીક 7 થી 8 શખ્સોએ પાઈપ અને ધોકા વડે ઘાતકી હુમલો કર્યો હતો.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sat 03 Jan 2026 12:57 PM (IST)Updated: Sat 03 Jan 2026 04:09 PM (IST)
bagdana-controversy-case-aap-raju-solanki-and-bhavnagar-mp-dr-nimaben-acharya-reach-hospital-667257

Bagdana Controversy Case: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામના કોળી સમાજના અગ્રણી અને આશ્રમના સેવક નવનીતભાઈ બાલધીયા પર અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા જાનલેવા હુમલા બાદ સમગ્ર પંથકમાં રોષ જોવા મળી રહ્યો છે. આ હિંસક ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રમુખ રાજુ સોલંકીએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

હોસ્પિટલમાં ખબર-અંતર પૂછ્યા

ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા નવનીતભાઈ બાલધીયા હાલ મહુવાની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકીએ હોસ્પિટલ પહોંચીને નવનીતભાઈની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે તબીબો સાથે ચર્ચા કરી નવનીતભાઈની તબિયત વિશે જાણકારી મેળવી હતી અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

ન્યાય અપાવવા માટે લડત આપવાની ખાતરી

મુલાકાત દરમિયાન રાજુ સોલંકીએ જણાવ્યું હતું કે, કોઈ પણ સમાજના આગેવાન કે વ્યક્તિ પર આ પ્રકારે અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવે તે અક્ષમ્ય છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ખાતરી આપી હતી કે આમ આદમી પાર્ટી નવનીતભાઈ બાલધીયાને ન્યાય અપાવવા માટે મજબૂતીથી તેમની સાથે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ મામલે કાયદાકીય લડત હોય કે આંદોલનાત્મક પગલાં, પક્ષ પીડિત પરિવારની સાથે ખભેખભા મિલાવીને ઊભો રહેશે.

નિમુબહેન હોસ્પિટલ પહોંચ્યા

નિમુબહેન બાભણીયા હનુમંત હોસ્પિટલ ખાતે નવનીતભાઈ બગદાણા ઉપર અસામાજિક તત્વો દ્વારા તાજેતરમાં થયેલા દુર્ભાગ્યપૂર્ણ હુમલાના સંદર્ભે ખબર અંતર પૂછ્યા તથા તેમને સાંત્વના પાઠવી હતી. આ તકે પૂર્વ મંત્રી આર.સી. મકવાણા, તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ તેમજ કોળી સમાજના આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી.

શું હતી ઘટના?

બગદાણા ગુરુ આશ્રમના સેવક નવનીત બાલધીયા પર 29 ડિસેમ્બરની રાત્રે મોનપર ગામ નજીક 7 થી 8 શખ્સોએ પાઈપ અને ધોકા વડે ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલા પાછળ આશ્રમના ટ્રસ્ટી પદ અને લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના એક કાર્યક્રમમાં કરવામાં આવેલી સ્પષ્ટતાના વિવાદને કારણભૂત ગણવામાં આવે છે. નવનીત બાલધીયાએ આક્ષેપ કર્યો છે કે માયાભાઈના પુત્ર સાથે ફોન પર વાતચીત થયા બાદ તુરંત જ આ હુમલો કરવામાં આવ્યો હતો.

પોલીસ કાર્યવાહીની સ્થિતિ

હુમલાના આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 8 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. જોકે, હવે આ મામલે સુરતની એક મહિલા પાયલ વઘાસિયાએ નવનીત બાલધીયા વિરુદ્ધ ગેરકાયદે ખનન અને ધમકીના વળતા આક્ષેપો કરતાં આખો મામલો પેચીદો બન્યો છે. રાજકીય પક્ષોની એન્ટ્રી અને વળતા આક્ષેપોના કારણે બગદાણા હુમલા કેસ હવે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. પીડિત પક્ષ ન્યાયની આશા રાખી રહ્યો છે, ત્યારે પોલીસ તપાસ કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર છે.