Amit Chavda on Bagdana Attack Controversy: લોકસાહિત્યકાર માયાભાઈ આહીર સાથે જોડાયેલા બગદાણા વિવાદે હવે રાજકીય વળાંક લીધો છે. કોળી સમાજના પૂર્વ સરપંચના પરિવારના યુવક નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલા મામલે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ મેદાને આવી ભાજપ સરકારને આડે હાથ લીધી છે. તેમણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
ગુજરાતમાં ગુંડા તત્વો બેફામ : અમિત ચાવડા
અમિત ચાવડાએ સોશિયલ મીડિયા અને મીડિયા સમક્ષ આપેલા નિવેદનમાં જણાવ્યું કે, "ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું, પરંતુ દાદાઓ (ગુંડાઓ)નું રાજ ચાલે છે." તેમણે ઉમેર્યું કે, બગદાણામાં કોળી સમાજના યુવાન પર જે રીતે ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી તેના હાથ-પગ તોડી નાખવામાં આવ્યા, તે દર્શાવે છે કે ગુનેગારોના મનમાં પોલીસ કે કાયદાનો કોઈ જ ડર રહ્યો નથી.
ગુજરાતમાં @Bhupendrapbjp ની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે.
— Amit Chavda (@AmitChavdaINC) January 2, 2026
બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે,ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે…
પોલીસની તપાસ સામે ગંભીર સવાલો
વિપક્ષી નેતાએ પોલીસની કામગીરીને 'દેખાવ પૂરતી' ગણાવતા પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, પોલીસ માત્ર ગૌણ શખ્સોની ધરપકડ કરીને સમાજનો ગુસ્સો કેમ શાંત પાડવા માંગે છે? તેમણે આક્ષેપ કર્યો કે, આ હુમલો કરાવનારા મુખ્ય સૂત્રધારો કોણ છે તેની તપાસ કેમ નથી થતી?, હુમલા પાછળ રહેલા 'મોટા માથાઓ'ને પોલીસ કેમ બચાવી રહી છે?, શુ પોલીસ હુમલાખોરો સામે એવી મજબૂત કાર્યવાહી કરશે કે ભવિષ્યમાં કોઈ પણ નિર્દોષ પર હાથ ઉઠાવતા પહેલા સો વાર વિચારે?
ગૃહમંત્રી હર્ષ સંઘવીને સીધો સવાલ
અમિત ચાવડાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને સંબોધીને પૂછ્યું છે કે, "તમારી પોલીસ ગુંડાઓ વિરુદ્ધ કડક પગલાં લેશે કે કેમ?" તેમણે આક્ષેપ કર્યો કે જ્યારે સત્તાધારી પક્ષના માનીતા લોકોના નામ ઉછળતા હોય ત્યારે પોલીસ તપાસમાં ઢીલી નીતિ અપનાવે છે.
કોળી સમાજમાં ભારે રોષ
આ ઘટનાને પગલે ભાવનગર સહિત સમગ્ર રાજ્યના કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. સરપંચ પરિવારના યુવક પરના હુમલાને લઈને સ્થાનિક સ્તરે વિરોધ પ્રદર્શનોની તૈયારીઓ ચાલી રહી છે. સામાજિક આગેવાનોની માંગ છે કે જો ૨૪ કલાકમાં અસલી સૂત્રધારોને પકડવામાં નહીં આવે તો આંદોલન વધુ તેજ કરવામાં આવશે.
