Western Railway: લાંબા અંતરની મુસાફરી કરતા રેલવે મુસાફરો માટે પશ્ચિમ રેલવે દ્વારા એક રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેનોમાં વધતા મુસાફર ઘસારાને પહોંચી વળવા માટે ભાવનગર મંડળ હેઠળ દોડતી પોરબંદર–સંતરાગાછી–પોરબંદર એક્સપ્રેસ (ટ્રેન નંબર 12949/12950)માં હંગામી ધોરણે એક વધારાનો સ્લીપર કોચ જોડવામાં આવશે.
કઈ તારીખથી મળશે આ સુવિધા?
ભાવનગર રેલવે મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ, પશ્ચિમ રેલવે મુખ્યાલયની સૂચના મુજબ બંને તરફની ટ્રેનોમાં આ તારીખો દરમિયાન વધારાનો કોચ ઉપલબ્ધ રહેશે-
પોરબંદરથી ઉપડતી ટ્રેન (12949): તારીખ 20 નવેમ્બરથી 25 ડિસેમ્બર 2026 સુધી.
સંતરાગાછીથી ઉપડતી ટ્રેન (12950): તારીખ 22 નવેમ્બરથી 27 ડિસેમ્બર 2026 સુધી.
ટ્રેનમાં કુલ કોચની સંખ્યા વધીને 22 થશે
મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ મુસાફરોની સુવિધા વધારવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. આ એક વધારાનો સ્લીપર કોચ ઉમેરાવાથી ટ્રેનમાં કુલ LHB કોચની સંખ્યા 21થી વધીને 22 થઈ જશે.
વેઈટિંગ લિસ્ટના મુસાફરોને થશે સીધો ફાયદો
વધારાનો કોચ જોડાવાને કારણે સ્લીપર ક્લાસમાં વધારાની બર્થ ઉપલબ્ધ થશે. ખાસ કરીને નવેમ્બર અને ડિસેમ્બર મહિના દરમિયાન મુસાફરીનું આયોજન કરી રહેલા અને વેઈટિંગ ટિકિટ ધરાવતા મુસાફરોની ટિકિટ કન્ફર્મ થવાની શક્યતા વધશે, જેનાથી તેમની મુસાફરી વધુ સરળ અને આરામદાયક બનશે.
