ભરૂચ: ઝઘડિયાના અવિધા નજીક નર્મદા નદીમાં ન્હાવા પડેલા યુવકનું મગરના હુમલામાં મોત, ગામમાં ગમગીની

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 26 Apr 2023 06:00 PM (IST)Updated: Wed, 26 Apr 2023 06:00 PM (IST)
man-killed-in-crocodile-attack-at-bharuch-jhagadia

ભરૂચ.
આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી કાળઝાળ ગરમી પડી રહી છે, જેનાથી રાહત મેળવવા ઝઘડિયા તાલુકાના અવિધા ગામનો યુવક નર્મદા નદીમાં ન્હાવા પડ્યો હતો. જો કે નદીમાં અચાનક આવી ચડેલા મગરે હુમલો કરતાં ન્હાવા આવેલા યુવકનું મોત થયું છે. આ ઘટનાના પગેલ અવિધા ગામ સહિત યુવકના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ઝઘડિયા તાલુકાના અવિધા ગામના ડેરા ફળિયામાં રહેતો દિપર રામજીભાઈ વસાવા (39) બપોરના સમયે ગામ નજીકથી પસાર થતી નર્મદા નદીના કિનારે પશુઓ માટે ઘાસચારો લેવા માટે ગયો હતો. કાળઝાળ ગરમીમાં પરસેવે રેબઝેબ થઈ જતાં દિપક નર્મદા નદીમાં ન્હાવા પડ્યો હતો.

આ સમયે એક મગરે હુમલો કરીને દિપકને પગથી પકડીને નદીના ઊંડા પાણીમાં ખેંચીને લઈ ગયો હતો. દિપકે પણ મગરની પકડમાંથી છૂટવા માટે ભારે મથામણ કરી હતી, પરંતુ તે મગરના પંજામાંથી મુક્ત નહતો થઈ શક્યો.

આ ઘટનાની જાણ થતા ગ્રામજનો નર્મદા નદી ખાતે દોડી આવ્યા હતા. આ બાબતે વન વિભાગને જાણ કરતાં વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ ફાયર બ્રિગેડની મદદથી નર્મદા નદીમાંથી દિપકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.