Best Teacher Award 2026: ગુજરાતની એક સરકારી શાળામાં ગ્રીન સ્ક્રીન એ માત્ર ટેકનોલોજીનું સાધન નથી, પરંતુ દીકરીઓ માટે અંગ્રેજી શીખવાનો એક નવો મંચ બની ગયો છે. અહીં દીકરીઓ પૂરા આત્મવિશ્વાસ સાથે અંગ્રેજી બોલે છે, અભિનય કરે છે અને રમત-રમતમાં શિક્ષણ મેળવે છે. ભરૂચ તાલુકાની મનુબર પ્રાથમિક કન્યા શાળાના એક વર્ગખંડમાં દીકરીઓ ગ્રીન સ્ક્રીન સામે ઊભી રહીને અંગ્રેજીમાં બોલે છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) તથા વિડિયો એપ્લિકેશન્સની મદદથી ક્ષણોમાં જ કાર્ટૂન પાત્રો કે આકર્ષક સ્થળોની પૃષ્ઠભૂમિમાં જોવા મળે છે. આ અનોખો પ્રયોગ શાળાના ભાષા-શિક્ષિકા શ્રી હેતલબેન રાણા કરી રહ્યા છે.
શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક-2026 માટે પસંદગી
હેતલબેન માટે ટેકનોલોજી એ માત્ર ભણતરને રસપ્રદ બનાવવાનું સાધન નથી, પરંતુ બાળકોનો સંકોચ દૂર કરવાનો રસ્તો છે. તેમની આ નવીન પહેલ બદલ ગુજરાત સરકારના ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક-2026’ માટે તેમની પસંદગી કરવામાં આવી છે. 5 સપ્ટેમ્બરે અપાતું આ સન્માન તેમની 20 વર્ષની શિક્ષણયાત્રાની મોટી ઉપલબ્ધિ છે.
માતાની પ્રેરણાથી શિક્ષક બનવાનો સંકલ્પ
હેતલબેનની આ સફરની શરૂઆત તેમની માતાની પ્રેરણાથી થઈ હતી, જેઓ પોતે પણ શિક્ષિકા હતાં. બાળપણથી જ શાળાના વાતાવરણ અને ચિત્રો દ્વારા ભણાવવાની શિક્ષકોની પદ્ધતિથી તેઓ પ્રભાવિત થયાં હતાં. વર્ષ 2007માં નેત્રંગ તાલુકાની કન્યા શાળામાં વિદ્યાસહાયક તરીકે જોડાઈને તેમણે કારકિર્દી શરૂ કરી. નોકરીની સાથે અભ્યાસ ચાલુ રાખીને તેમણે અંગ્રેજી વિષયમાં અનુસ્નાતકની પદવી મેળવી અને 2013થી તેઓ મનુબર પ્રાથમિક કન્યા શાળામાં ભાષા શિક્ષિકા તરીકે સેવા આપી રહ્યાં છે.
AI અને શૈક્ષણિક રમતોનો પ્રયોગ
હેતલબેને Wordwall અને AIની મદદથી વિષય આધારિત રમતો તૈયાર કરી છે. જે રમતો બનાવવામાં અગાઉ કલાકો લાગતા હતા, તે હવે માત્ર એક મિનિટમાં તૈયાર થઈ જાય છે. આ પ્રયોગની ઝોન કક્ષાએ પસંદગી થઈ છે.
આ ઉપરાંત, તેમણે કેટલાંક ડિજિટલ યોગદાન આપ્યા છે-
FLN ડિજિટલ ગેમ્સ: વાંચન અને લેખનમાં મુશ્કેલી અનુભવતા બાળકો માટે ‘ક’ થી ‘જ્ઞ’ સુધીના મૂળાક્ષરો આધારિત ગેમ્સ બનાવી, જેમાં ‘લીડર બોર્ડ’ની સુવિધાથી વિદ્યાર્થીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા પ્રોત્સાહિત થઈ છે.
શિક્ષક તાલીમ: ડાયટ (DIET) કક્ષાએ માસ્ટર ટ્રેનર માટે પણ આ ડિજિટલ કન્ટેન્ટ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.
લેખ અને ભાવાનુવાદ: GCERTના “જીવન શિક્ષણ” સામયિકમાં તેમના ૩ પ્રેરણાદાયી લેખ પ્રકાશિત થયા છે તથા NCERTના 'MOTHERS OF DEMOCRACY' મોડ્યુલના 4 પુસ્તકોનું ભાવાનુવાદ કર્યું છે.
દિક્ષા એપ (DIKSHA App): ભરૂચ જિલ્લાની સ્થાનિક લોકબોલી આધારિત કોર્સ તૈયાર કરવામાં મહત્વનું યોગદાન આપ્યું છે, જે સમગ્ર રાજ્યના શિક્ષકો માટે ઉપલબ્ધ છે.
વર્ગખંડ બન્યો નાના ફિલ્મ સ્ટુડિયો
વર્ષ 2022-23થી શરૂ થયેલા તેમના સૌથી અલગ પ્રયોગમાં તેમણે વર્ગખંડના એક ભાગને નાના ફિલ્મ સ્ટુડિયોમાં ફેરવી નાખ્યો. ગ્રીન સ્ક્રીન સામે દીકરીઓને અંગ્રેજીમાં બોલવા અને અભિનય કરવા પ્રોત્સાહિત કરાઈ. ત્યારબાદ Plotagon અને Arloopa જેવી એપ્સ તથા AIની મદદથી બેકગ્રાઉન્ડ દૂર કરી કાર્ટૂન પાત્રો કે દૃશ્યો મૂકવામાં આવ્યા. આ પદ્ધતિથી દીકરીઓ માટે અંગ્રેજી બોલવું સરળ બન્યું.
"AI શિક્ષકનો વિકલ્પ નથી, પણ એક શક્તિશાળી સાધન છે"
હેતલબેન માને છે કે બદલાતા સમય સાથે શિક્ષકોએ અપડેટ રહેવું જોઈએ. આજે AIના યુગમાં કલાકોનું કામ એક મિનિટમાં થતું હોય તો તેનો સકારાત્મક સ્વીકાર કરવો જોઈએ. તેમના મતે AI શિક્ષકનો વિકલ્પ બની શકે નહીં, પણ તે શિક્ષણને સરળ અને રસપ્રદ બનાવવાનું સાધન છે.
શાળા અને પર્યાવરણ વિકાસમાં શ્રેષ્ઠ યોગદાન
તેમનું કામ માત્ર વર્ગખંડ પૂરતું મર્યાદિત નથી. તેમણે ગ્રામજનો અને એનઆરઆઈ સમુદાયના સહયોગથી શાળામાં વોટર ફિલ્ટર પ્લાન્ટ મુકાવ્યો, ગ્રામ પંચાયતના સહયોગથી બ્લોક અને શેડનું નિર્માણ કરાવ્યું, તેમજ શાળા કેમ્પસમાં ફળાઉ વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ જાળવણી માટે પ્રયાસો કર્યા છે.
ગ્રીન સ્ક્રીને જે આત્મવિશ્વાસ ઊભો કર્યો છે તે દીકરીઓ સાથે કાયમ રહેશે. સરકારી શાળાના વર્ગખંડમાં AI લાવવાનો તેમનો હેતુ પરંપરાગત શિક્ષણ બદલવાનો નથી, પરંતુ બાળકોને શીખવાની નવી રીતો આપી તેમનો આત્મવિશ્વાસ વધારવાનો છે.
