Bharuch: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રા'ના ગુજરાત પ્રવેશના આજે ત્રીજા દિવસે ભરુચ પહોંચી હતી. જ્યાં રાહુલ ગાંધીને આવકારવા માટે મોટી સંખ્યામાં કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. જો કે આ દરમિયાન કોંગ્રેસના મરહુમ નેતા અહેમદ પટેલના સંતાનોની સૂચક ગેરહાજરી જોવા મળી હતી.
હકીકતમાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે. જે અંતર્ગત ભરૂચ લોકસભા બેઠક આમ આદમી પાર્ટીના ફાળે આવી છે. AAP દ્વારા આ બેઠક પર ડેડિયાપાડાના વર્તમાન ધારાસભ્ય ચૈતર વસાવાને પોતાના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ ભરૂચ લોકસભા બેઠક સોનિયા ગાંધીના વિશ્વાસુ પર સ્વ. અહેમદ પટેલના સંતાનો ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. જો કે ગઠબંધનની શરતો આગળ તેમનું કંઈ નહતુ ચાલ્યું અને કોંગ્રેસ દ્વારા આ સીટ આમ આદમી પાર્ટીને ફાળવી દેવામાં આવી હતી.
આ પણ વાંચો
ભરૂચ લોકસભા બેઠક પર આપના ચૈતર વસાવાના નામની જાહેરાત થતાં જ મુમતાઝ પટેલે જિલ્લામાં કોંગ્રેસના કાર્યકરોની માફી માંગી હતી. મુમતાઝ પટેલે પોતાના સત્તાવાર X હેન્ડલ પર જણાવ્યું હતું કે, આપણે અહેમદ પટેલના 45 વર્ષના વારસાને નિષ્ફળ નહીં જવા દઈએ. કોંગ્રેસને મજબૂત કરવા માટે આપણે સંગઠિત થવાનું છે.
બીજી તરફ ફૈઝલ પટેલે પણ નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ઈન્ડિયા ગઠબંધન હેઠળ કોંગ્રેસ દ્વારા ભરૂચ બેઠક છોડવાના મોવડી મંડળના નિર્ણયથી કાર્યકરો ખુશ નથી. કાર્યકરો કહેશે, તો તેઓ આમ આદમી પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર પણ નહીં કરે.
ધર્મ અને જાતિની રાજનીતિ કરતી ભાજપને હરાવીશું: ચૈતર વસાવા
આજે જ્યારે રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રા' નેત્રંગ પહોચી, ત્યારે ઈન્ડિયા ગઠબંધન તરફથી ભરૂચ બેઠકના ઉમેદવાર ચૈતર વસાવા ખુદ તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું કે, ભાજપ ધર્મ અને જાતિની રાજનીતિ કરી રહી છે. રાહુલ ગાંધીની ન્યાય યાત્રાથી ઈન્ડિયા ગઠબંધનના તમામ ઉમેદવારો જીતશે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
