Bharuch Accident News: ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા બદલપુરાથી ઓછણ તરફ જવાના માર્ગ પર આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. બિસ્માર રસ્તા અને રોડ પર પડેલા મોટા ખાડાઓના કારણે બે મોટરસાયકલ સામસામે અથડાતાં બે મહિલા સહિત કુલ ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ એક ઇજાગ્રસ્તની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
એક દર્દીની સ્થિતિ નાજુક
આ પણ વાંચો
મળતી વિગતો અનુસાર, ભરૂચ જિલ્લાના ચાંચવેલ ગામના વતની એવા ત્રણેય ઇજાગ્રસ્તોને અકસ્માત બાદ ત્વરિત 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે વાગરા સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ એક દર્દીની સ્થિતિ નાજુક જણાતાં તેમને વધુ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.
ડાયવર્ઝન મામલે સ્થાનિકોમાં રોષ
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, દહેજ-આમોદ માર્ગના નવીનીકરણનું કામ ચાલુ હોવાથી વાહનોની અવરજવર માટે ઓછણ, બદલપુરા અને ચાંચવેલ થઈને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ડાયવર્ઝનના કારણે આ નાનકડા ગ્રામીણ માર્ગ પર ભારે વાહનોનો ટ્રાફિક અચાનક વધી ગયો છે. ઓવરલોડેડ વાહનોની સતત અવરજવરના પરિણામે સમગ્ર રોડ કથળી ગયો છે અને ઠેર-ઠેર ભયાનક ખાડાઓ પડી ગયા છે.
વાહનચાલકોએ કરી માગણી
સ્થાનિક રહીશો અને વાહનચાલકો માંગ કરી રહ્યા છે કે, ભરૂચ જિલ્લા તંત્ર અને સંબંધિત વિભાગ વહેલી તકે આ માર્ગ પર પડેલા ખાડાઓનું પુરાણ કરી રસ્તાની યોગ્ય મરામત કરાવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ અટકાવી શકાય.
