Bharuch News: જંબુસરના દહેગામમાં હારેલા ઉમેદવારે ભયનો માહોલ ઉભો કર્યો, તલવાર સાથે ધમકીઓ આપી

દહેગામ બેઠક પર ભાજપના ઉમેદવાર સકીલ ખાલિદ અહેમદ મલેક અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર સોહેલ મલેક વચ્ચે સીધો જંગ હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 01 May 2026 03:28 PM (IST)Updated: Fri, 01 May 2026 03:29 PM (IST)
bharuch-news-tension-in-jambusars-dehgam-after-poll-results-defeated-candidate-sparks-fear

Bharuch News: ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દહેગામમાં તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ વાતાવરણ અત્યંત તણાવપૂર્ણ બની ગયું છે. લોકશાહીના પર્વ સમાન ગણાતી ચૂંટણીમાં હાર પચાવી ન શકનાર ઉમેદવારે ગામમાં ભય અને આતંકનો માહોલ ઉભો કરતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

હારની ખીજમાં તલવાર હાથમાં રાખી ધમકી આપી!

મળતી વિગતો અનુસાર, દહેગામ બેઠક પર ભાજપના ઉમેદવાર સકીલ ખાલિદ અહેમદ મલેક અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર સોહેલ મલેક વચ્ચે સીધો જંગ હતો. પરિણામ જાહેર થતા સોહેલ મલેક વિજેતા જાહેર થયા હતા. પોતાની હાર નિશ્ચિત થતા ભાજપના પરાજિત ઉમેદવાર સકીલ મલેક ભાન ભૂલ્યા હતા. સોશિયલ મીડિયા પર તેમના કેટલાક વીડિયો અને મેસેજ વાયરલ થયા છે, જેમાં તેઓ પોતાના પિતા સાથે હાથમાં તલવાર લઈને લોકોને ધમકાવતા નજરે પડે છે. બસ સ્ટેન્ડ જેવા જાહેર વિસ્તારમાં ગાળો ભાંડી તલવાર લહેરાવવાની આ ઘટના અત્યારે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે.

પાણી પુરવઠો બંધ કરવાની ધમકી ઉચ્ચારી

ઉમેદવારનો આક્રોશ માત્ર તલવાર લહેરાવવા પૂરતો મર્યાદિત રહ્યો ન હતો. પરાજિત ઉમેદવારે ગામનો પાણી પુરવઠો બંધ કરી દેવાની ગંભીર ધમકી આપતા મેસેજ વાયરલ કર્યા છે. ઉનાળાની શરૂઆતમાં જ પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધા અટકાવી દેવાની વાતથી ગ્રામજનોમાં રોષ અને ભય બંને જોવા મળી રહ્યા છે. ગામમાં ચર્ચા છે કે પાણીનો સપ્લાય ખોરવી નાખવામાં આવ્યો છે, જેને પગલે મામલો વધુ ગરમાયો છે.

દહેગામમાં પોલીસ બંદોબસ્તની માંગ ઉઠી

ચૂંટણી બાદ સર્જાયેલી આ અરાજકતાને પગલે દહેગામમાં પોલીસ બંદોબસ્તની માંગ ઉઠી છે. જાહેર રોડ પર શસ્ત્રો પ્રદર્શન અને ગ્રામજનોને પાયાની સુવિધાઓથી વંચિત રાખવાની ધમકી આપનાર સામે પોલીસ શું પગલાં ભરે છે, તેના પર સૌની મીટ મંડાણી છે.

ગ્રામજનોનું કહેવું છે કે, "હાર અને જીત એ સિક્કાની બે બાજુ છે, પરંતુ રાજકીય હારનો બદલો આખા ગામના લોકો પાસેથી લેવો અને ભય ફેલાવવો એ જરાય ચલાવી લેવાય નહીં." હાલમાં ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે.