Bharuch: જંબુસર કાવીના દરિયામાંથી માછીમારોને સ્ફટિકનું એક ક્વિન્ટલ વજન ધરાવતું શિવલિંગ મળ્યું

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 07 Feb 2024 10:38 PM (IST)Updated: Fri, 09 Feb 2024 02:11 PM (IST)
bharuch-news-shivling-on-fishermen-fishing-net-in-kavi

Bharuch: જંબુસર તાલુકાના કાવી ગામેથી દરિયામાં માછલી પકડવા ગયેલા માછીમાર ભાઈઓની જાળમાં આશરે એક ક્વિન્ટલ વજન ધરાવતું શિવલિંગ ફસાઈ ગયું હતુ. જેને તેઓ કાવી દરિયા કિનારે લાવ્યા હોવાની વાત વાયુવેગે પ્રસરી જતા દરિયા કાંઠે શિવલિંગને નિહાળવા લોકટોળા ઉમટી પડ્યા હતા.

જંબુસર તાલુકાના કાવી ગામના મચ્છીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ કાળીદાસ વાઘેલા, મંગળ કાળીદાસ ફકીરા સહિત 12 જેટલા માછીમાર ભાઈઓ છગનભાઈ સોમાભાઈ વાઘેલાની નાવડી લઈને દરિયામાં ધનકા તીર્થ પાસે તેઓએ બાંધેલ જાળામાંથી માછલી કાઢવા ગયા હતા. આ સમયે જાળમાં શિવલિંગ આકારનો પથ્થર પણ ફસાઈ ગયો હતો. તેને જાળમાંથી બહાર કાઢીને સાફ કરીને જોતા શિવલિંગ હોવાનું જણાઈ આવ્યું હતું.

આ શિવલિંગ સમો પથ્થર ભરતીના નીરમાં તરતો હતો, પરંતુ ભરતીના નીર ઓસરતા તે વજનદાર હોય ઊંચકાતો પણ નહતો. આશરે એક ક્વિન્ટલ વજન ધરાવતા શિવલિંગને માછીમાર ભાઈઓએ અન્ય નાવના માછીમારોની મદદથી ભારે જહેમતથી પોતાની કાવી દરિયા કિનારે લાવ્યા હતા. જ્યાં દરિયા કિનારે તેને મૂકી પાણીથી સાફ-સફાઈ કરતા આ શિવલિંગ સ્ફટિકનું હોવાનુ તથા અંદરની શંખ, નાની મૂર્તિઓ હોવાનુ જણાઈ આવ્યુ હતુ.

આ હકીકતની જાણ કાવી ગામમા વાયુવેગે પ્રસરતા ગ્રામજનો શિવલિંગને નિહાળવા દરિયા કાઠે ઉમટી પડ્યા હતા અને સ્ફટિકના શિવલીંગને કાવીના કમલેશ્વર મહાદેવ મંદિર ખાતે લઈ જવામાં આવ્યું હતું.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.