Bharuch: ન્યૂ યર પૂર્વે દારૂની પાર્ટી પર પોલીસનો દરોડો, ફાર્મ હાઉસમાં મહેફિલ માણતા 9 નબીરા પીધેલી હાલતમાં પકડાયા

ભરૂચ પોલીસની નાગરિકોને અપીલ- ન્યૂ યરની ઉજવણી શાંતિપૂર્ણ અને કાયદાના દાયરામાં રહીને કરે.નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 31 Dec 2025 05:32 PM (IST)Updated: Wed 31 Dec 2025 05:49 PM (IST)
bharuch-news-police-raid-on-liquor-party-at-farm-house-9-held-665568
HIGHLIGHTS
  • અચાનક પોલીસ ત્રાટકતાં ભગુ કૃપા ફાર્મ હાઉસમાં દારૂડિયાઓની દોડધામ
  • વિદેશી શરાબની બે બોટલ, નમકીન સહિત 7 હજારનો મુદ્દામાલ જપ્ત

Bharuch: ભરૂચ જિલ્લામાં ન્યૂ યર પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુસર ભરૂચ સી ડિવિઝન પોલીસે સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું છે. આ પેટ્રોલિંગ દરમિયાન પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નજર રાખી છે. એવામાં પોલીસે બાતમીના આધારે ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલમાં દરોડો પાડીને 9 નબીરાઓને ઝડપી પાડ્યા છે.

હકીકતમાં ભરૂચ સી ડિવિઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, તવરા–શુકલતીર્થ માર્ગ પર આવેલા ભગુ કૃપા ફાર્મ હાઉસમાં કેટલાક લોકો ગેરકાયદેસર રીતે દારૂની મહેફિલ માણી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ફાર્મ હાઉસ પર દરોડો પાડ્યો હતો.

આ દરોડા દરમિયાન પોલીસને ત્યાં 9 થી 10 જેટલા લોકો દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પર હાજર 9 શખ્સોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડી તેમની ધરપકડ કરી હતી. પોલીસની આ કાર્યવાહીથી ફાર્મ હાઉસમાં ચાલી રહેલી ગેરકાયદેસર દારૂની મહેફિલનો પર્દાફાશ થયો હતો.

દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 2 બોટલ, નમકીન સહિત કુલ રૂપિયા 7 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ઝડપી પાડેલા આરોપીઓમાં પ્રથમ પટેલ, વિરાજ પટેલ, હેત ચૌહાણ, રાજ પટેલ, અનિલ ગામીત, આદિત્ય ચૌહાણ, રિતિક પટેલ, મિહિર ગોહિલ અને આદિત્ય પરદેશીનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભરૂચ સી ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે, ન્યૂ યરની ઉજવણી દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે અને નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે, ન્યૂ યરની ઉજવણી શાંતિપૂર્ણ અને કાયદાના દાયરામાં રહીને કરે. દારૂ, નશા અથવા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહી સમાજમાં સુખાકારી અને સલામતી જાળવવામાં પોલીસને સહકાર આપે. ભરૂચ સી ડિવિઝન પોલીસની આ કાર્યવાહીથી જિલ્લામાં સ્પષ્ટ સંદેશો ગયો છે કે કાયદો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે.