Bharuch News: પાનોલી GIDCની કંપનીમાં ટ્રાયલ રન સમયે પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ; પતરાં હવામાં ઉડ્યા, એક મહિલા ઈજાગ્રસ્ત

પાનોલી GIDCમાં વેસ્ટ કલેક્શન, ટ્રીટમેન્ટ અને નિકાલના વ્યવસાય સાથે સંકળાયેલી 'ચિદાકાશ એન્વિરો પ્રોજેક્ટ્સ' નામની કંપનીમાં આ ઘટના બની હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 17 Mar 2026 05:11 PM (IST)Updated: Tue, 17 Mar 2026 05:11 PM (IST)
bharuch-news-massive-blast-and-fire-at-panoli-gidc-factory-one-woman-injured

Bharuch News: ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા અંકલેશ્વરના પાનોલી GIDC વિસ્તારમાં મંગળવારે એક ખાનગી કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જતા નજરે પડ્યા. સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક મહિલા કામદારને ઇજા પહોંચી છે, જ્યારે અન્ય કર્મચારીઓ સમયસૂચકતા વાપરી પ્લાન્ટની બહાર દોડી આવતા મોટી જાનહાનિ ટળી હતી.

મળતી માહિતી અનુસાર, પાનોલી GIDCમાં વેસ્ટ કલેક્શન, ટ્રીટમેન્ટ અને નિકાલના વ્યવસાય સાથે સંકળાયેલી 'ચિદાકાશ એન્વિરો પ્રોજેક્ટ્સ' નામની કંપનીમાં આ ઘટના બની હતી. મંગળવારે કંપનીના પ્લાન્ટમાં નવા પ્રોજેક્ટ માટે ટેસ્ટિંગની કામગીરી ચાલી રહી હતી. ટ્રાયલ બેઝ પર પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો તે જ સમયે અચાનક ટેકનિકલ ખામીને કારણે પ્રચંડ ધડાકો થયો હતો.

બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે કંપનીના શેડ પર લાગેલા લોખંડના પતરાં હવામાં ઉડ્યા હતા અને આસપાસના રહીશોમાં ભૂકંપ જેવો અનુભવ થયો હતો. બ્લાસ્ટ બાદ તરત જ પ્લાન્ટમાં આગ લાગી હતી, જેના કારણે કેમિકલયુક્ત ગાઢ કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં કિલોમીટરો દૂર સુધી દેખાતા હતા.

ઘટના સમયે પ્લાન્ટમાં અંદાજે 30 થી 40 જેટલા કામદારો ફરજ પર હતા. ધડાકો થતા જ તમામ કામદારોમાં દોડધામ મચી ગઈ હતી અને તેઓ તુરંત સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. જોકે, આ પ્રક્રિયા દરમિયાન એક મહિલા કામદારને પગના ભાગે ઇજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ 'કૂલિંગ પ્રક્રિયા' હાથ ધરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સ્થાનિક પોલીસ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અને ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. કંપનીએ સુરક્ષાના કયા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને બ્લાસ્ટ પાછળનું ચોક્કસ કારણ શું છે તે અંગે હાલ ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.