Bharuch Panoli GIDC fire: ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આવેલા પાનોલી GIDC વિસ્તારમાં આવેલી ક્રિશી કેમિકલ કંપનીમાં આજે સવારે ફરી આગ લાગવાની ઘટના સામે આવી છે. કંપનીમાં સોલ્વન્ટથી ભરેલા બેરલમાં અચાનક આગ લાગી હતી. જોકે, ફાયર ફાઇટરોની ઝડપી કામગીરીના કારણે આગ પર ટૂંક સમયમાં કાબૂ મેળવી લેવાયો હતો.
સ્ટોરેજ યુનિટમાં સોલ્વન્ટ બેરલ સળગ્યા
આ પણ વાંચો
આ બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે પાનોલી GIDCમાં સ્થિત ક્રિશી કેમિકલ કંપનીના સ્ટોરેજ વિસ્તારમાં રાખેલા સોલ્વન્ટના બેરલમાંથી ધુમાડા સાથે આગની જ્વાળા નીકળતી જોવા મળી હતી. આ ઘટનાની જાણ થતાં જ કંપનીમાં હાજર ફાયર ટીમ તરત જ સ્થળ પર પહોંચી ગઈ અને આગ વધુ ફેલાય તે પહેલા જ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી.
થોડા જ સમયમાં આગ પર કાબુ મેળવ્યો
ફાયર ટીમની સમયસર કાર્યવાહીથી આગ પર ઝડપી નિયંત્રણ મેળવી લેવામાં આવતા મોટી દુર્ઘટના ટળી છે. આ બનાવ અંગે ચીફ ફાયર ઓફિસર પ્રીતેશ પટેલે જણાવ્યું કે, આગ અંગે જાણ થતાં જ ફાયર ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. આગને ફેલાતી અટકાવવા ઝડપી પગલાં લેવામાં આવ્યા અને થોડા જ સમયમાં સ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં આવી હતી.
બે દિવસમાં બીજીવાર આગનો બનાવ
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સવારે પણ આ જ કંપનીમાં ભીષણ આગ લાગવાની ગંભીર ઘટના બની હતી. તે વખતે પ્લાન્ટનો મોટો ભાગ આગની ઝપેટમાં આવી જતાં ભારે નુકસાન થયું હતું. ઘટનાના સમયે ફેલાયેલા ઘાટા ધુમાડાના કારણે ત્રણ કામદારોને શ્વાસ લેવામાં તકલીફ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: પાનોલી GIDCની કેમિકલ કંપનીમાં ભીષણ આગ, 10 કિમી દૂર દેખાયા ધુમાડાના ગોટા; 'મેજર કોલ' જાહેર થયો
તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી
એક જ કંપનીમાં સતત બે દિવસ આગની ઘટના બનતા તંત્રએ આ મામલાને ગંભીરતાથી લીધો છે. સુરક્ષા વ્યવસ્થામાં કોઈ બેદરકારી રહી છે કે નહીં તેની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે કંપની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, અને કંપનીને ક્લોઝર નોટિસ પાઠવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
સલામતી વ્યવસ્થાની સમીક્ષા કરાશે
હાલ સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ ચાલી રહી છે. આગ લાગવાના કારણો અને સલામતી નિયમોના પાલન અંગે સંબંધિત વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સતત બની રહેલી આ પ્રકારની ઘટનાઓને ધ્યાનમાં રાખીને પાનોલી GIDC વિસ્તારમાં આવેલી અન્ય ઔદ્યોગિક એકમોની સલામતી વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવે તેવી શક્યતા છે.
