Bharuch: જંબુસરમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂ. 11.25 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, 3 લૂંટારા ઝડપાયા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 15 Sep 2023 08:10 PM (IST)Updated: Fri, 15 Sep 2023 08:10 PM (IST)
bharuch-news-lcb-solve-jambusar-angadia-loot-case-3-held

Bharuch: ગઈકાલે જંબુસરના બજારમાં ધોળા દિવસે બાઈક પર આવેલા 3 બુકાનીધારી લૂંટારુઓએ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રોકડ રકમ અને સોના સહિત કુલ 11.25 લાખની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. આ ગુનાને ભરૂચ LCBની ટીમે ગણતરીના કલાકોમાં ઉકેલી નાંખ્યો છે. આ સાથે જ જીવના જોખમે લૂંટના મુદ્દામાલ સાથે ત્રણેય લૂંટારાને ઝડપી પાડ્યા છે.

આ અંગે વિગતો આપતા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જણાવ્યું કે, ભરૂચના સરનાર ગામમાં રહેતા સાહિલ જોસેફ ઉર્ફે યુસુફ ઇસ્માઇલ પટેલે લાખોના દેવામાંથી બહાર નીકળવા માટે ગામમાં જ રહેતા પોતાના મિત્ર યામીન અલ્તાફ ગુલામ પટેલને વાત કરી હતી. યામીને વડોદરાથી આંગડિયા પેઢીનો કર્મચારી બસમાં જંબુસર આવતો હોવાની બાતમી આપી હતી. આથી બંને મિત્રોએ મળી આંગડિયા કર્મીની ત્રણ વખત રેકી કરી હતી. એક સપ્તાહ પેહલા જ જંબુસરથી વડોદરા કીર્તિ સ્તંભ સુધી બંનેએ આંગડિયા કર્મીનો પીછો કર્યો હતો.

જે બાદ યામીને સુરતથી પોતાના હિસ્ટ્રીશીટર સાળા મુસ્તુફા ઉફે હજામ ઉર્ફે મસ્તાક સલીમ શેખને બોલાવ્યો હતો અને પ્લાન મુજબ ગુરુવારે ત્રણેય લૂંટને અંજામ આપવા બાઈક પર જંબુસર પહોંચ્યા હતા.

આંગડિયા કર્મચારીએ મેઇન બજારની ગલીમાં જતા જ બે લૂંટારુંઓ ધારદાર ચપ્પુ સાથે પાછળ ઘસી આવી બેગ આપી દે, નહીં તો તને પતાવી દઈશું કહી, હુમલો કરી ₹11.25 લાખની મત્તા ભરેલી બેગ લૂંટી ફરાર થઇ ગયા હતા.

લૂંટની ઘટનાના મેસેજ મળતા જ ભરૂચ જિલ્લા પોલીસ એલર્ટ થઈ SP મયુર ચાવડાએ LCB, SOG, બી, સી ડિવિઝન, તાલુકા, દહેજ, આમોદ અને જંબુસર પોલીસની ટીમો બનાવી નાકાબંધી, પેટ્રોલિંગ શરૂ કરવી દીધું હતું.

આ દરમિયાન LCB PSI પી.એમ.વાળા અને આર.કે. ટોરાણીની ટીમો સર્ચમાં હતી, ત્યારે લૂંટારું ભરૂચ તાલુકાના કાસદ-થામ નહેર રોડ પર હોવાની બાતમી મળતા ટીમો ત્યાં પહોંચી હતી. જ્યાં પોલીસને જોઈ આરોપીઓ મોટરસાયકલ છોડી ખેતરોમાં સંતાઈ ગયા હતા. આટલું જ નહીં, લૂંટારુઓએ પોલીસના જવાનો પર પથ્થમારો કરવા સાથે જ તેમને ચપ્પુથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. અંતે LCBએ ત્રણેયને ઝડપી પાડીને તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો. હાલ તો જંબુસર પોલીસ મથકે લૂંટનો ગુનો તેમજ ભરૂચ તાલુકા પોલીસ મથકમાં પોલીસ જવાન પર હુમલાનો અલગથી ગુનો દાખલ કર્યો છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.