Bharuch News: અંકલેશ્વર શહેરમાં પોલીસની ચુસ્ત કામગીરી હેઠળ એક મોટા જુગારધામનો ભંડાફોડ કરવામાં આવ્યો છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા રીગલ હોલના કમ્પાઉન્ડમાં આવેલા મેરેજ હોલ પર છાપો મારવામાં આવ્યો હતો, જ્યાં બંધ બારણે જુગાર રમાતો હતો. પોલીસે સ્થળ પરથી 18 જુગારીઓને ઝડપી પાડ્યા હતા અને કુલ રૂ. 5.81 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેર પોલીસનો સ્ટાફ નિયમિત પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન પોલીસે ગુપ્ત બાતમી મેળવી હતી કે ગોયા બજાર, જલારામ મંદિર સામે રહેતો મોહમ્મદ સાકીર હનીફ મુલ્લા રીગલ હોલના કમ્પાઉન્ડમાં આવેલ મેરેજ હોલમાં જુગાર રમાડે છે. બાતમી વિશ્વસનીય હોવાનું જણાતા એ ડિવિઝન પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે સ્થળ પર દરોડો પાડી તાત્કાલિક જુગારધામને ઘેરી લીધું હતું. તપાસ દરમ્યાન પોલીસે જુગારીઓ પાસેથી રૂ. 1 લાખની રોકડ રકમ, મોબાઇલ ફોન, જુગાર માટેની ચીપ્સ, કાર્ડ્સ તેમજ જુગારીઓના ઉપયોગમાં આવેલા વાહનો સહિત કુલ રૂ. 5.81 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે મુખ્ય આરોપી મોહમ્મદ સાકીર હનીફ મુલ્લા સાથે શાહ નવાઝ મુખતિયાર શેખ, ગુલામ અકબર બશીર અહેમદ મુલ્લા, તનવીર રિયાઝ અહેમદ મુલ્લા સહિત કુલ 18 જુગારીઓને ઝડપ્યા હતા. તમામ સામે જુગાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ દ્વારા આ દરોડા બાદ શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવનારાઓમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તહેવારના સમયગાળા દરમિયાન આવા જુગારધામો અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ રહેશે તેવી સ્પષ્ટ ચેતવણી પણ પોલીસ દ્વારા આપવામાં આવી છે.