Bharuch Jama Masjid Dispute: ભરૂચમાં આવેલી ઐતિહાસિક જામા મસ્જિદ મૂળભૂત રીતે એક જૈન વિહાર હોવાનો દાવો કરતી અને ત્યાં જૈન શ્રદ્ધાળુઓને પૂજા કરવાની પરવાનગી માંગતી એક અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. હાઇકોર્ટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ પાસે મસ્જિદમાં જૈન તિર્થંકરની મૂર્તિ હોવાના દાવા પર અહેવાલ માંગ્યો છે.
વકીલે હાઈકોર્ટમાં શું કહ્યું?
પ્રખ્યાત વકીલ હરિશંકર જૈને કોર્ટને જણાવ્યું હતું કે, ઐતિહાસિક જામા મસ્જિદ જે હાલ ભારતીય પુરાતત્વ વિભાગના સંરક્ષણ હેઠળ છે. તેના ભોંયરામાં જૈન ધર્મના 17મા તીર્થંકર મલ્લિનાથ અને અન્ય દેવતાઓની મૂર્તિઓના અવશેષો આવેલા છે વકીલ હરીશંકર જૈને હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે, જૈન સમુદાયના સભ્યોને આ સ્થળની મુલાકાત લેવાની અને ત્યાં પૂજા કરવાની પરવાનગી મળવી જોઈએ.
હાઈકોર્ટે તપાસનો આદેશ આપ્યો
હાઈકોર્ટે ASIના નિષ્ણાતોને આ બાબતની તપાસ કરવાનો આદેશ આપ્યો છે અને અરજદારના દાવાઓ અંગે અહેવાલ માંગ્યો છે. અરજદારોએ અલાઉદ્દીન ખિલજીના આક્રમણના ઐતિહાસિક વૃત્તાંતો ટાંકીને તેમના દાવાને પુષ્ટિ આપવાનો પ્રયાસ કર્યો છે. આ અરજી હરિશંકર જૈન અને રાહુલ દીવાન સહિત પાંચ વ્યક્તિઓ દ્વારા દાખલ કરવામાં આવી હતી.
હાઈકોર્ટે જવાબ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો
ગુજરાત હાઈકોર્ટે ASI અને રાજ્ય સરકારને 13 ઓક્ટોબર સુધીમાં તેમના જવાબો રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. ભોજશાળા કેસના નિર્ણયને આધારે અરજદારોએ ભરુચ જામા મસ્જિદનો દાવો હાઇકોર્ટમાં રજૂ કર્યો છે, 1900ના ગેઝેટમાં આ માળખાને સૌપ્રથમ જામા મસ્જિદ તરીકે ઓળખવામાં આવતું હતું.
રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, જો ASIને કાયદો અને વ્યવસ્થા જાળવવા અથવા મૂર્તિના અવશેષોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કોઈ વ્યવસ્થાની જરૂર હોય, તો સરકાર તે પૂરી પાડવા માટે તૈયાર છે. અહેવાલોમાં જણાવાયું છે કે, ASIએ પણ આ સ્થળે મૂર્તિની હાજરી સ્વીકારી છે.
