Bharuch Crime News: ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પહાજ ગામમાં પ્રેમ પ્રકરણમાં ખૂની ખેલ ખેલાયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પતિ, પત્ની અને પ્રેમી વચ્ચેના ત્રિકોણીય સંબંધોની અદાવતમાં 27 વર્ષીય યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
પહાજ ગામમાં રાત્રિના સમયે ભારે વરસાદ અને વીજળી ગુલ હોવાનો લાભ ઉઠાવી અંધારામાં વસીમ દિવાન (27) પર ધારદાર હથિયારો વડે ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. લોહીલુહાણ હાલતમાં ઢળી પડેલા વસીમને સ્થાનિકો અને મિત્રો દ્વારા તાત્કાલિક સારવાર અર્થે વાગરા, ત્યારબાદ ભરૂચ અને વધુ ગંભીર હાલત જણાતાં વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જો કે તબીબોની અથાક મહેનત છતાં સારવાર દરમિયાન વસીમનું કરૂણ મોત નીપજ્યું હતું. 27 વર્ષીય પુત્રના અકાળે અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વાગરા પોલીસે ત્વરિત તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં આ હત્યા પ્રેમ પ્રકરણના કારણે થઈ હોવાનું બહાર આવ્યું હતું.
વાગરા પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી પતિ આસિફ મહંમદ પટેલની ધરપકડ કરી લીધી છે. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023ની કલમ 103(1), 109(1) અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
તપાસ દરમિયાન ગુનાનું રી-કન્સ્ટ્રક્શન કરતી વખતે પોલીસ સાથે ઘર્ષણ થતાં થોડો સમય ઉત્તેજના વ્યાપી ગઈ હતી. જોકે, ત્યારબાદ પરિવારજનોએ પોતાની ભૂલ સ્વીકારી પોલીસની માફી માંગી હતી અને તેમની ત્વરિત કામગીરીને બિરદાવી હતી.
હાલમાં વસીમના પરિવારજનો આરોપી સામે કડકમાં કડક પગલાં ભરી વહેલી તકે ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે. વાગરા પોલીસ આ મામલે આગળની ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.
