Gujarat Fisheries Industry: બંગાળની પ્રખ્યાત હિલસા માછલીને મળ્યું ગુજરાતમાં ઘર, નર્મદા નદી બની મુખ્ય સંવર્ધન ક્ષેત્ર

ગુજરાતમાં વર્ષ 2025-26માં હિલસા માછલીનું 14,587 મેટ્રિક ટન જેટલું રેકોર્ડ ઉત્પાદન થયું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 20 Sep 2026 10:36 AM (IST)Updated: Sun, 20 Sep 2026 10:36 AM (IST)
bengal-hilsa-fish-production-in-gujarat-narmada-river-bharuch-report
બંગાળની પ્રખ્યાત હિલસા માછલી

Gujarat Hilsa Fish Industry: પશ્ચિમ બંગાળની પ્રખ્યાત હિલસા માછલી હવે ગુજરાતમાં પોતાનું નવું સરનામું શોધી રહી છે, જેમાં નર્મદા નદી તેનું મુખ્ય પ્રજનન ક્ષેત્ર બની છે. બદલાતા ચોમાસાના પ્રવાહો અને અનુકૂળ પર્યાવરણીય પરિસ્થિતિને કારણે નર્મદા નદીમાં હિલસા માછલી પકડવાના પ્રમાણમાં ઉછાળો જોવા મળ્યો છે. ચોમાસા દરમિયાન પોષક તત્વોથી ભરપૂર પાણી દરિયામાં વહે છે, અને ભરૂચ પાસે નર્મદાના નીચલા ભાગમાં મીઠું તથા ખારા પાણીનું આદર્શ મિશ્રણ હિલસાના પ્રજનન માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે.

હિલસાનું સ્થળાંતર અને ફરક્કા બેરેજની અસર

ગાંધીનગરની કામધેનુ યુનિવર્સિટીની કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સના આસિસ્ટન્ટ પ્રોફેસર આર.બી. વાળા અને એ.એમ. પરમારે જણાવ્યું કે, હિલસા એક એનાડ્રોમસ (Anadromous) સ્થળાંતર કરતી માછલી છે. આ માછલી પોતાનું મોટાભાગનું જીવન દરિયામાં વિતાવે છે, પરંતુ પ્રજનન માટે નદીઓના મીઠા પાણી તરફ સ્થળાંતર કરે છે.

અગાઉ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળની ગંગા અને હુગલી નદી પ્રણાલી હિલસાના મુખ્ય પ્રજનન ક્ષેત્રો હતા. પરંતુ ફરક્કા બેરેજ, નદીઓ પરના બાંધકામ, નદીની ઊંડાઈમાં ફેરફાર, પ્રદૂષણ અને આબોહવા પરિવર્તનને કારણે તેના પરંપરાગત સ્થળાંતર અને પ્રજનન ક્ષેત્રો પ્રભાવિત થયા છે.

ચાર વર્ષનો રેકોર્ડ: ભરૂચ જિલ્લાનો 51% હિસ્સો

ગુજરાતમાં વર્ષ 2025-26 દરમિયાન હિલસાનું કુલ ઉત્પાદન 14,587.72 મેટ્રિક ટન પહોંચી ગયું છે, જે છેલ્લા ચાર વર્ષનો નવો રેકોર્ડ છે. ગુજરાત મત્સ્યોદ્યોગ કમિશનર વિજય ખરાડીના જણાવ્યા અનુસાર, વર્ષ 2022-23 માં 14,198.98 મેટ્રિક ટન ઉત્પાદન થયું હતું, જે ઘટીને 2023-24માં 8,209.48 મેટ્રિક ટન અને 2024-25માં 8,535.75 મેટ્રિક ટન નોંધાયું હતું.

વર્ષ 2025-26માં આંતરદેશીય હિલસા ઉત્પાદનમાં અભૂતપૂર્વ વધારો થયો છે. વર્ષ 2024-25માં માત્ર 123.62 મેટ્રિક ટન સામે 2025-26માં આંતરદેશીય ઉત્પાદન વધીને 4,645.99 મેટ્રિક ટન થઈ ગયું છે. એકલા ભરૂચ જિલ્લામાં જ 7,410.09 મીટ્રિક ટન હિલસા માછલી પકડાઈ છે, જેમાં 2,949.76 મીટ્રિક ટન દરિયાઈ અને 4,460.33 મીટ્રિક ટન આંતરદેશીય ઉત્પાદનનો સમાવેશ થાય છે. આ સાથે રાજ્યના કુલ હિલસા ઉત્પાદનમાં ભરૂચ જિલ્લાનો હિસ્સો લગભગ 51 ટકા રહ્યો છે.