Aravalli Accident News: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાને જોડતા શામળાજી-હિંમતનગર નેશનલ હાઇવે પર એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે. રાજસ્થાનથી પરત ફરી રહેલા અમદાવાદના કાર ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવી દેતા કાર આગળ જતી ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. આ ભીષણ અકસ્માતમાં કારના ચાલક અને કારમાં સવાર એક યુવાનનું ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
ફેક્ટરી સંચાલક સાથે કારમાં સવાર શ્રમિક
પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના હંસપુરા વિસ્તારમાં આવેલા ટ્વીન ટાવરમાં રહેતા કાર ચાલક દીપકુમાર નરેશભાઈ પટેલ અને તેમની ફેક્ટરીમાં કામ કરતા બે સગા ભાઈઓ દીપેશ છત્રી તથા સુશીલ છત્રી રાજસ્થાનમાં પોતાનું વ્યાવસાયિક કામ પતાવીને સાંજે કાર (નંબર GJ 27 EF 0404) માં અમદાવાદ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ જ્યારે શામળાજી-હિંમતનગર હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ કાળમુખો અકસ્માત સર્જાયો હતો.
ખારી બ્રિજ પર સર્જાયો ગંભીર અકસ્માત
આ અકસ્માત હાઇવે પર આવેલા ખારી બ્રિજ પર સર્જાયો હતો. કારચાલક દીપ પટેલે બ્રિજ પર ગાડી બેફિકરાઈથી હંકારતા આગળ જતી ટ્રકની પાછળ કાર વેગ સાથે ઘૂસાડી દીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. અકસ્માતને પગલે કારચાલક દીપ પટેલને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા આસપાસના લોકોએ મદદ કરી હતી, પરંતુ ગંભીર ઈજાઓના કારણે તેનું મોત નીપજ્યું હતું.
ટૂંકી સારવાર બાદ બીજા યુવકે દમ તોડ્યો
અકસ્માત વખતે કારમાં સવાર અન્ય શ્રમજીવી યુવક સુશીલ છત્રીને પણ ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ તેને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે શામળાજીની હોસ્પિટલ ખસેડાયો અને ત્યારબાદ વધુ સારવાર માટે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, હિંમતનગર હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન 28 વર્ષીય યુવકે પણ અંતિમ શ્વાસ લીધા હતા.
દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોની વિગત
દીપકુમાર નરેશભાઈ પટેલ: રહે. ટ્વીન ટાવર, હંસપુરા, અમદાવાદ (કારચાલક અને ફેક્ટરી માલિક)
સુશીલભાઈ ટંકારામ છત્રી: (ઉંમર 28 વર્ષ), રહે. ઓઢવ, અમદાવાદ (શ્રમજીવી)
તહેવારોના દિવસોમાં જ સર્જાયેલી આ ગમખ્વાર ઘટનાને પગલે બંને મૃતકોના પરિવારોમાં ભારે શોક અને આક્રંદનો માહોલ છવાઈ ગયો છે. આ મામલે સ્થાનિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
