Aravalli News: અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના શામળપુર ગામમાંથી ઘર કંકાસમાં એક પતિએ તેની પત્નીની કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાની ચકચારી ઘટના સામે આવી છે. સામાન્ય ઘરકામ બાબતે થયેલી બોલાચાલીમાં પતિ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. ગુસ્સે ભરાયેલા પતિએ પોતાની જ પત્નીની ઘાતકી હત્યા કરી દીધા બાદ તે મૃતદેહ પાસે બેસી રહ્યો હતો, લોકો એકઠા થઈ જતાં તે ફરાર થઇ ગયો હતો. પોલીસે તેને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો છે.
પતિએ પત્ની પર કર્યો જીવલેણ ઘા
મળતી માહિતી મુજબ, પ્રભુદાસ ગામેતી અને તેની પત્ની કૈલાશબેન વચ્ચે ઘરકામ બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. બોલાચાલી એકાએક ઉગ્ર બની ગઈ હતી. ઉશ્કેરાટમાં આવી ગયેલા પતિએ ઘરમાં રહેલી કુહાડી વડે તેની પત્ની પર જીવલેણ હુમલો કરી દીધો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા કૈલાશબેન જીવ બચાવવા માટે ભાગ્યા હતા. પરંતુ ગંભીર ઈજાઓને લીધે તે ત્યાં જ ઢળી ગયા હતા. ટૂંક સમયમાં જ તેનું મોત થયું હતું.
હત્યા બાદ મૃતદેહ પાસે પતિ બેસી રહ્યો
પત્નીની ઘાતકી હત્યાને અંજામ આપ્યા બાદ પતિ ભાગવાને બદલે પોતાની પત્નીના મૃતદેહ પાસે બેસી રહ્યો હતો. તે દરમિયાન મૃતકના પુત્ર દીપકને ઘટનાની જાણ થતાં તે ઘે દોડી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં આજુબાજુમાં રહેતા લોકો પણ એકઠા થઈ જતાં આરોપી પ્રભુદાસ ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે પુત્રે તાત્કાલિક શામળાજી પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.
મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો
પોલીસે મૃતક મહિલાના મૃતદેહનો કબજો લઈને તેને પીએમ માટે ખસેડ્યો હતો. પોલીસે મૃતક મહિલાના પુત્ર દિપક ગામેતીની ફરિયાદ લઈને તેના પિતા પ્રભુદાસ ગામેતી સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરુ કરી હતી. તેમજ ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
