Aravalli: સાબર ડેરી દ્વારા દૂધના ભાવફેર મુદ્દે રોષે ભરાયેલા પશુપાલકોનું આંદોલન સતત ત્રીજા દિવસે પણ યથાવત રહ્યું હતુ. પોતાની માંગણી ના સંતોષાતા પશુપાલકોએ રોડ પર દૂધ ઢોળીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
હકીકતમાં રૂ.9500 કરોડનું વાર્ષિક ટર્નઑવર ધરાવતી સાબર ડેરીમાં દૂધનો ભાવફેર ઓછો ચૂકવવા મામલે ગત સોમવારે પશુપાલકોએ હિંમતનગર સ્થિત સાબર ડેરી બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતુ. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકરી રહેલા પશુપાલકો વચ્ચે ઘર્ષણ સર્જાતા પોલીસને લાઠીચાર્જ કરવાની અને ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.
આ પણ વાંચો
જેના પગલે સાબરકાંઠા ઉપરાંત અરવલ્લી જિલ્લાના પશુપાલકોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. 40 ટકા દૂધ મંડળીઓમાં પશુપાલકોએ દૂધ ભરવાનું ટાળી દેતા સાબર ડેરીના સત્તાધીશો દોડતા થઈ ગયા હતા. છેલ્લા 2 દિવસમાં સાબર ડેરીમાં દૂધની આવકમાં ધરખમ ઘટાડો નોંધાયો છે.
આજે પણ પશુપાલકોનું આંદોલન યથાવત રહ્યું હતુ. જેના ભાગરૂપે આજે સવારથી દૂધ મંડળીઓ આગળ મોટી સંખ્યામાં પશુપાલકો એકઠા થયા હતા. જેમણે ઘરેથી લાવેલું દૂધ મંડળીની આગળ જ ઢોળીને સાબર ડેરીના વહીવટી તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો.
બીજી તરફ મેઘરજના લીંબોદરા અને રામગઢની દૂધ મંડળીના દૂધ ભરેલા કેન લઈને જઈ રહેલા ટેમ્પો ચાલકને માલપુર ત્રણ રસ્તા નજીક રોષે ભરાયેલા પશુપાલકોએ અટકાવ્યો હતો. જે બાદ ટેમ્પામાં રહેલા તમામ દૂધ ભરેલા કેન રસ્તા પર ઊંધા વાળી દીધા હતા. જેથી રસ્તા પર દૂધની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
