Khambhat Agate Industry: પીએમ મોદીએ ફરી એકવાર વૈશ્વિક મંચ પર ગુજરાતની પરંપરાગત હસ્તકલાને ગૌરવ અપાવ્યું છે. 16મી નવેમ્બરના રોડ ફિલિપાઈન્સના મનિલા પ્રવાસ દરમિયાન પીએમ મોદી દ્વારા તિમોર લેત્સેના વડાપ્રધાન કાય રાલા ઝાનાના ગુસ્માઓને ખંભાતમાં હાથથી કંડારેલો અકીક પથ્થરનો બાઉલ ભેટમાં આપ્યો હતો. એક બાજુ વિશ્વમાં ખંભાતના કારીગરોના વખાણ થઈ રહ્યા છે. તો બીજી બાજુ જમીનના અભાવે સ્થાનિક અકીક ઉદ્યોગ માટે જાહેર કરાયેલી જીઆઈડીસી અને કોમન ફેસિલિટી સેન્ટર જેવી મહત્વકાંક્ષી યોજનાઓ હજુ પણ કાગળ પર અટકેલી છે.
અકીક આધારિત ચીજવસ્તુઓ કેમ છે ખાસ
પીએમ મોદી દ્વારા તિમોર લેત્સેના પીએમને ભેટમાં આપેલ બાઉલ ખૂબ જ ખાસ છે. કેમ કે, ખંભાતની સદીઓ જૂની પરંપરા પ્રમાણે, આ બાઉલ કોઈ પણ પ્રકારના સાંધા વગર એક જ અખંડ અકીકના પથ્થર પર કોતરીને તૈયાર કરવામાં આવ્યો છે. અકીક એક અર્ધકિંમતી પથ્થર છે. આ પથ્થર પર રંગો, કુદરતી પટ્ટીઓ અને રચનાને કારણે દરેક બાઉલનો દેખાવ યુનિક હોય છે.
ખંભાત અકીક વિકાસ મંડળના સેક્રેટરી ઈરફાન શેખ દ્વારા મુજબ જણાવેલી વિગત પ્રમાણે, બાઉલ બનાવવા માટે એક મોટો અખંડ પથ્થર મળવો અત્યંત મુશ્કેલ છે. તેમજ અકીકનો પથ્થર બટકણો હોવાથી કોતરણી અને પોલિશિંગ વખતે અત્યંત બારીકાઈ અને કાળજી રાખવી પડે છે. ઉલ્લેખનીય વાત એ છે કે, પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ખંભાતનો અકીક બાઉલ ભેટ આપ્યો હતો. જેથી આ કલાને આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધી મળી હતી.
અકીક ઉદ્યોગમાં સુવિધાઓની મોટી અછત
વૈશ્વિક સ્તરે મળી રહેલી પ્રસિદ્ધી વચ્ચે ખંભાતની સ્થાનિક અકીક ઉદ્યોગની સ્થિતિ ચિંતાજનક છે. ખંભાત અકીક ઉદ્યોગ એસોસિએશનના પ્રમુખ ચંદ્રેશ પટેલે ઉદ્યોગના પડકારો અંગે મહત્વની અને ચોંકાવનારી વિગતો આપી હતી. ખંભાતમાં અકીક ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર 300 કરોડથી વધુનું છે. શહેરની અંદાજે 40 ટકા વસ્તી આ વ્યવસાય પર નિર્ભર છે. આ ઉદ્યોગ 30 હજાર કારીગરોને રોજગાક પૂરો પાડે છે.
કારીગરોને બિમારીથી બચાવી શકાય
તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના સમયમાં અકીક ઉદ્યોગ માટે અલગ GIDC બનાવવાની જાહેરાત થઈ હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારની મદદથી કોમન ફેસિલિટી સેન્ટર (CFC) માટે એસોસિએશને SIDBIમાં એપ્રેઝલ ફી પણ ભરી દીધી, પરંતુ જમીન ફાળવણી અને વહીવટી સંકલનના અભાવે આ પ્રોજેક્ટ હજુ કાગળ પર જ છે. જો CFC શરૂ થાય તો આધુનિક મશીનરી અને સુરક્ષા સાધનો ઉપલબ્ધ બને, જેનાથી કારીગરોને પથ્થરની રજકણોથી થતી જીવલેણ 'સિલિકોસિસ' જેવી બીમારીથી બચાવી શકાય.
