પેટલાદને મળશે રૂ. 9.35 કરોડનું હાઇટેક બસ સ્ટેન્ડ: 8 પ્લેટફોર્મ અને VIP વેઇટિંગ એરિયા સાથે મળશે આ આધુનિક સુવિધાઓ

રાજ્ય સરકાર દ્વારા પેટલાદ ખાતે રૂ. 9.35 કરોડના ખર્ચે આધુનિક એસ.ટી. બસ સ્ટેશન અને ડેપો-વર્કશોપનું નિર્માણ કરાશે. 8 પ્લેટફોર્મ, દિવ્યાંગ સુવિધાઓ અને VIP વેઇટિંગ હોલ સહિતની તમામ વિગતો જાણો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 16 Oct 2026 09:32 AM (IST)Updated: Fri, 16 Oct 2026 09:32 AM (IST)
petlad-modern-gsrtc-bus-station-project-infrastructure-facilities
AI IMAGE

Anand News: રાજ્ય સરકાર તરફથી એસ.ટી. નિગમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન પેટે ફાળવેલ સહાયથી પેટલાદ મુકામે જુના બસ સ્ટેશન તથા ડેપો-વર્કશોપના સ્થાને આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળા નવિન બસ સ્ટેશન તથા ડેપો-વર્કશોપનું નિર્માણ કરવામાં આવશે. આ વિસ્તારના મુસાફરો અને નાગરિકોને અત્યાધુનિક સુવિધાઓ પ્રાપ્ત થઈ શકે તે માટે પ્રોજેક્ટ અંતર્ગત કુલ 29,236 ચો.મી. જમીન વિસ્તારમાં અંદાજિત રૂ. 935.16 લાખના ખર્ચે ભવ્ય સંકુલ તૈયાર કરાશે.

નવા બસ સ્ટેન્ડમાં મુસાફરો માટે સુવિધાઓ

નવીન સંકુલ માં ગ્રાઉન્ડ ફ્લોર પર મુસાફરોની સુવિધા માટે 8 પ્લેટફોર્મ, મુસાફરોની બેઠક વ્યવસ્થા માટે વિશાળ વેઇટિંગ હોલ, કીચન સાથે કેન્ટીન, કંટ્રોલર રૂમ, લેડીઝ રેસ્ટ રૂમ, વોટર રૂમ વિથ આર.ઓ. રૂમ તેમજ સ્ટુડન્ટ પાસ/ઇન્ક્વાયરી રૂમ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે.

પ્રથમ માળે એસ.ટી. સ્ટાફ અને વહીવટી કામગીરી માટે ઉત્તમ વ્યવસ્થાઓમાં ટોઇલેટ સુવિધા સહિત જેન્ટ્સ ડ્રાઇવર કંડક્ટર રેસ્ટ રૂમ અને લેડીઝ કંડક્ટર રેસ્ટ રૂમ, લોકર રૂમ, ઓફિસ, ટ્રે રૂમ, બુકિંગ ઓફિસ તથા કેશ રૂમનો સમાવેશ થાય છે. આ તમામ સુવિધાઓથી સજ્જ નવિન બસ સ્ટેશન પેટલાદના નાગરિકો માટે મુસાફરીને વધુ સરળ અને આરામદાયક બનાવશે.

મુસાફરોની સ્વચ્છતાને વિશેષ પ્રાથમિકતા

પેટલાદમાં તૈયાર થનાર આ નવીન બસ સ્ટેશન સંકુલમાં મુસાફરોની સુખાકારી અને સ્વચ્છતાને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી છે. ફ્રન્ટ સાઇડ અને મુખ્ય વિસ્તારમાં લેડીઝ ટોઇલેટ (3 બાથ, 3 શૌચાલય સાથે) અને જેન્ટ્સ ટોઇલેટ (4 યુરીનલ, 2 શૌચાલય સાથે)નું નિર્માણ કરાશે. આ ઉપરાંત હેન્ડીકેપ ટોઇલેટ બનાવવામાં આવશે.

ખાસ કરીને દિવ્યાંગ વ્યક્તિઓ માટે સ્પેશિયલ પ્રકારના શૌચાલય, સ્લોપીંગ રેમ્પ, વ્હીલચેર, ટેક્ટાઇલ ટાઇલ્સ, બ્રેઇલ લિપીમાં સાઇનેજીસ અને ગ્રેબ બાર જેવી અત્યાધુનિક સગવડો ઉપલબ્ધ કરાવાશે. સાથોસાથ 14 જેટલી શૉપ્સ, પાર્સલ રૂમ સહિત વી.આઇ.પી. વેઇટિંગ એરીયા તેમજ સર્ક્યુલેશન વિસ્તારમાં સી.સી. ટ્રી-મીક્ષ ફ્લોરિંગ કરવામાં આવશે.