Khambhat News: આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના શંકરપુર ગામે એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. ગામની સીમમાં આવેલી એક તલાવડીમાં ડૂબી જવાથી એક જ પરિવારની3 માસૂમ સગી બહેનોના કરુણ મોત નીપજ્યાં છે. એક સાથે 3 વ્હાલસોયી દીકરીઓ ગુમાવતા શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું છે, અને સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
ત્રણ બહેનો શૌચક્રિયા માટે ગઈ હતી
મળતી માહિતી મુજબ, શકરપુર ગામના મોસમ ફળીયામાં રહેતા અને ખેતમજૂરી કરતા અશ્વિનભાઈ બારૈયાની 3 માસૂમ દીકરી સાંજના સમયે ઘરની બહાર નીકળી હતી. જેમાં 13 વર્ષીય પ્રિયા, 11 વર્ષીય ઈશા અને 8 વર્ષની રીનાનો સમાવેશ થાય છે. આ ત્રણેય બાળકી ગામના ખડઉ સીમ વિસ્તારમાં આવેલી તલાવડીના કિનારે શૌચક્રિયા માટે ગઈ હતી.
આ દરમિયાન કોઈ અગમ્ય કારણોસર પગ લપસતાં કે ઊંડા પાણીનો અંદાજ ન આવતાં ત્રણેય બહેનો એકબીજાને બચાવવાના પ્રયાસમાં તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. સાંજનો ઘણો સમય વીતી જવા છતાં ત્રણેય દીકરીઓ ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતાતુર બન્યા હતા. ચિંતાતુર પરિવારે આસપાસના ખેતર તેમજ અન્ય વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી.
પાણી પર તરતી હતી કાગળની હોડીઓ
આશરે 2 કલાક સુધી ચાલેલી ભારે અફરાતફરી અને શોધખોળ બાદ તલાવડીના કિનારે બાળકો દ્વારા કાગળમાંથી બનાવેલી કેટલીક હોડીઓ પાણીમાં તરતી જોવા મળી હતી. આ હોડીઓ જોઈને પરિવારજનોને આશંકા જતાં તેમણે તાત્કાલિક તળાવના પાણીમાં તપાસ શરૂ કરાવી હતી.
ઘટનાની ગંભીરતા જોઈને સ્થાનિક વિસ્તારના એક બહાદુર તરવૈયા યુવકે તલાવડીના ઊંડા પાણીમાં ઉતરીને શોધખોળ હાથ ધરી હતી. થોડા સમયની સઘન શોધખોળ બાદ તેણે ત્રણેય બાળકીઓને પાણીની બહાર કાઢી હતી. પરંતુ કમનસીબે પાણીમાં વધુ સમય ગરકાવ રહેવાના કારણે ત્રણેય માસૂમ બાળકી મૃત હાલતમાં જ મળી આવી હતી.
માતા-પિતાનું આક્રંદ, પોલીસે તપાસ શરૂ
આ આઘાતજનક બનાવની જાણ થતાં જ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવીને ત્રણેય બાળકીઓને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી, જ્યાં ફરજ પરના તબીબોએ ત્રણેયને સત્તાવાર રીતે મૃત જાહેર કર્યા હતા. ત્રણેય બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ (PM) કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
એક સાથે 3 વ્હાલસોયી દીકરીઓના મોતના સમાચાર સાંભળતા જ માતા-પિતા અને પરિવારજનોની રોકકળથી હોસ્પિટલ પરિસર ધ્રૂજી ઊઠ્યું હતું. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને સમગ્ર ઘટના અંગે કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.
