Khambhat Rape Case 2019: ખંભાતના કાણીસા ગામમાં સાત વર્ષની બાળકી પર 2019 ના દુષ્કર્મ અને હત્યાના કેસમાં ખંભાત કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે તમામ પુરાવાઓને ધ્યાનમાં રાખીને આરોપી અર્જુન ગોહિલને ડબલ ફાંસીની સજા ફટકારી છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ કેસમાં પીડિતા અને પરિવારજનોને ન્યાય અપાવવામાં ભૂમિકા ભજવનાર પોલીસ કર્મચારી, અધિકારીઓ અને ન્યાયતંત્રનો આભાર માન્યો હતો.
ક્યારે બની હતી ઘટના
આ ઘટના 2019 ની છે. પોલીસ તપાસ અનુસાર આરોપીએ નવા વર્ષના દિવસે બાળકીને બિસ્ટિકની લાલચ આપીને તેની સાથે લઈ ગયો હતો. બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ કોઈને ખબર પડી જશેના ડરે તેની હત્યા કરીને મૃતદેહને પાણીની ટાંકીમાં ફેંકી દીધો હતો.
બાળકીનો મૃતદેહ અર્ધનગ્ન અવસ્થામાં ટાંકીમાંથી મળી આવ્યા બાદ ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધવામાં આવી હતી. તમામ પુરાવાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીને આ ગંભીર ગુનામાં ડબલ ફાંસીની સજા ફટકારી હતી.
બેવડી ફાંસીની સજા એટલે શું
સરકારી વકીલે કહ્યું કે આ રેર્સ્ટ ઓફ ધ રેર કેસ છે. ખંભાત કોર્ટે દુષ્કર્મના પોક્સો કેસમાં ફાંસીની સજા આપી અને દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં પણ ફાંસીની સજા ફટકારી. આ રીતે કોર્ટે આરોપીને ડબલ ફાંસીની સજા સંભળાવી.
