Anand: સોજીત્રા રોડ પર વિચિત્ર અકસ્માતમાં મહિલાનું મોત, ટ્રેલરમાંથી લોખંડનો રોલ ઉપર પડતાં જ પતિની નજર સામે જ પત્ની ચગદાઈ ગઈ

પત્ની શાકભાજી લેતી હતી અને પતિ બાઈક લઈને સાઈડમાં ઉભા હતા. પતિ પણ ઈજાગ્રસ્ત

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 02 May 2025 10:32 PM (IST)Updated: Fri, 02 May 2025 10:32 PM (IST)
anand-news-wife-killed-in-road-accident-front-of-husband-at-sojitra
HIGHLIGHTS
  • ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ

Anand: આણંદ-સોજીત્રા રોડ પર અકસ્માતના એક વિચિત્ર બનાવમાં મહિલાનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. જેમાં લોખંડના રોલ લઈને જઈ રહેલા ટ્રેલરમાંથી અચાનક એક રોલ તૂટીને શાકભાજી લઈ રહેલી મહિલા પર પડતાં તેનો દમ ઘૂંટી જતા મોતને ભેટી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આણંદના વલાસણ ગામમાં રહેતા સુરેશ ચૌહાણ પત્ની લક્ષ્મીબેનને લઈને બાઈક પર કરમસદથી વલાસણ તરફ જતાં રોડ પર પસાર થઈ રહ્યાં હતા. આ સમયે કરમસદ મેડિકલ કૉલેજ નજીક શાકભાજીના લારી જોતા સુરેશ ચૌહાણે બાઈક ઉભુ રાખ્યું હતુ, જ્યારે લક્ષ્મીબેન લારી પર શાક લેવા ગયા હતા. આ દરમિયાન સોજીત્રા તરફથી લોખંડના રોલ લઈને ટ્રેલર ત્યાંથી નીકળ્યું હતુ. જેવું ટ્રેલર શાકભાજીની લારીની નજીક આવ્યું, ત્યારે લોખંડના રોલને બાંધેલો પટ્ટો અચાનક તૂટી ગયો હતો.

જેથી લોખંડનો તોતિંગ રોલ નજીકમાં શાકભાજી ખરીદતા લક્ષ્મીબેન ઉપર પડીને બાઈક લઈને ઉભેલા તેમના પતિ સાથે અથડાયો હતો. જો કે લોખંડનો વજનદાર રોડ માથે પડતાં દબાઈ ગયેલા લક્ષ્મીબેનનું ઘટના સ્થળે જ દર્દનાક મોત નિપજ્યું હતુ. જ્યારે તેમના પતિ સુરેશ ચૌહાણ પણ ઈજાગ્રસ્ત થયા હતા.

બીજી તરફ આ બનાવની જાણ થતાં વિદ્યાનગર પોલીસ મથકની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જેમણે ઈજાગ્રસ્ત સુરેશ ચૌહાણને સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યારે લક્ષ્મીબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.