Anand News: મહી નદીમાં જળ સ્તરનો વધારો થતાં આણંદ જિલ્લાના બોરસદ અને આંકલાવ તાલુકાના ગામોમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા. પૂરના કારણે ગામોમાં થયેલી નુકસાનીના સર્વેની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. બોરસદ અને આંકલાવ તાલુકામાં સર્વે માટે 20 ટીમો કામે લાગી છે. સર્વે બાદ સરકારના ધારાધોરણા મુજબ અસરગ્રસ્તોને સહાય ચૂકવવામાં આવશે.
જિલ્લા કલેકટર મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ બોરસદ અને આંકલાવ તાલુકાના ગામોમાં પૂરના કારણે કાચા, પાકા મકાન, ઝુંપડાઓ, ખેડૂતોના પાક નુકસાનીના સર્વેની કામગીરી બોરસદ અને આંકલાવ તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવી છે. આંકલાવ તાલુકાના ગંભીરા, બામણગામ, ચમારા, સંખ્યાડ, આમરોલ અને કહાનવાડી ગામો ખાતે ગત દિવસોમાં પૂરના પાણીના કારણે કાચા મકાન, પાકા મકાન, ઝુપડા અને ઘરવખરીનું જે કંઈ નુકસાન થયું છે તેની સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આંકલાવ તાલુકા વિકાસ અધિકારી મુકેશસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આંકલાવ તાલુકામાં નુકસાનીના સર્વે માટે ૧૨ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે.આ કામગીરીનીમાં તલાટી કમ મંત્રીશ્રી,પંચાયત કચેરી કર્મીઓ અને એન્જિનિયરને સાથે રાખીને સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે. સર્વે બાદ સરકારના ધારાધોરણો મુજબ અસરગ્રસ્તોને સહાય ચુકવવામાં આવશે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા પશુઓને નિશુલ્ક ધોરણે ઘાસચારાનું વિતરણ પણ શરૂ કરવામાં આવ્યું છે.
બોરસદ તાલુકા વિકાસ અધિકારી ડો. રિપલ બેન ચૌધરીએ જણાવ્યું હતું કે મહિકાંઠાના સારોલ, ગાજણા, કોઠીયાખાડ,નાની શેરડી, દહેવાણ, કંકાપુરા, વાલવોડ અને બદલપુર ગામોમાં પૂરના પાણી ઘૂસી આવ્યા હતા, જેના કારણે નુકસાની થવાની શક્યતા વધી જાય છે. પ્રભાવિત થયેલ તમામ ગામો ખાતે તલાટી કમ મંત્રી, વિસ્તરણ અધિકારી અને એન્જિનિયરની ટીમો બનાવીને નુકસાની સર્વે શરૂ કરવામાં આવ્યો છે જે કામગીરી વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
