Anand News: વિદેશ જવાની ઘેલછામાં ત્રણ યુવક છેતરાયા, સોજીત્રાના શખ્સે 20 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 17 Mar 2024 01:32 PM (IST)Updated: Sun, 17 Mar 2024 01:33 PM (IST)
anand-news-sojitras-man-cheats-rs-20-lakh-in-the-name-of-london-work-permit-visa

Anand News: આણંદ જિલ્લાના સોજીત્રાના યુવકને રુપિયા કમાવવા માટે વિદેશ જવાની ઘેલછા મોંઘી પડી છે. સોજીત્રામાં વિઝા-પાસપોર્ટનું કામ કરતા એક શખ્સે સોજીત્રાના યુવક પાસેથી 5 રૂપિયા લઇ લંડન વર્ક પરમિટ વિઝા નહીં કરી આપીને વિશ્વાસઘાત કર્યો હતો આ ઉપરાંત અન્ય બે યુવક પાસેથી પણ 7.50 લાખ રૂપિયા લીધા હતા. આમ વિઝા એજન્ટે ત્રણ યુવક પાસેથી કુલ 20 લાખ રૂપિયા પડાવી લંડનના વર્ક પરમિટ વિઝા નહીં આપી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સોજીત્રા પાલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નિલેશ રાણાએ સોજીત્રા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, આજથી ચાર મહિના પહેલા નિલેશ રાણાએ લડંન જવા માટે વિદેશના વિઝા-પાસપોર્ટનું કામ કરતા સોજીત્રાના પિયુષ પટેલનો સંપર્ક કર્યો હતો. એ સમયે પિષુય પટેલે નિલેશને લંડન વર્ક પરમિટ વિઝા માટે 8 લાખ રૂપિયા થશે તેમ કહ્યું હતું. જેથી 11 નવેમ્બર 2023ના રોજ નિલેશે એડવાન્સ પેટે પાંચ લાખ રૂપિયા આપયા હતા અને બાકીની રકમ ત્રણ મહિનામાં આપી દેવાનું જણાવ્યું હતું.

એક મહિનો થયા બાદ નિલેશે પિષુય પટેલને પ્રોસેસ કેટલે પહોંચી એ અંગે પૂછ્યું હતું. જેથી પિયુષે કામ ચાલુ છે અને તમારી ફાઇલ મુકાઇ ગઇ હોવાનું તથા થોડા દિવસોમાં કામ થઇ જશે તેમ નિલેશને જણાવ્યું હતું. જેથી વિશ્વાસ રાખ્યો હતો. ત્રણ મહિના થયા બાદ નિલેશે ફર પિષુય પટેલને પ્રોસેસ કેટલે પહોંચી તે અંગે પૂછ્યું હતું. ત્યારે કામ પતી ગયું હોવાનું જણાવ્યું હતું. જોકે થોડા દિવસ બાદ નિલેશને જાણવા મળ્યું હતું કે, પિયુષ પટેલે તેની ફાઈલ લંડન માટે મુકી નથી. જેથી નિલેશ અને પિયુષ વચ્ચે બોલાચાલી થઇ હતી અને આપેલા 5 લાખ રૂપિયા પરત માગ્યા હતા, જોકે પિયુષે આપ્યા ન હતા.

નિલેશે વારંવાર પિયુષ પાસે 5 લાખ રૂપિયા પરત આપવા અથવા તો લંડનની ફાઇલ ક્લિયર કરાવવા માટે કહ્યું હતું. જેથી પિયુષે આ મહિનામાં તમારું કામ પતાવી દઇશ તેમ કહ્યું હતું. જે દરમિયાન નિલેશને જાણવા મળ્યું હતું કે, પિયુષે તેના સિવાય રવિ સોની પાસેથી લંડન વર્ક પરમિટ વિઝા માટે 7.50 લાખ તથા મનીષ સોની પાસેથી પણ 7.50 લાખ રૂપિયા લંડન વર્ક પરમિટ વિઝા માટે લીધા હતા અને વર્ક વિઝા કરી આપ્યા ન હતા. આમ ત્રણ યુવકો પાસેથી કુલ 20 લાખ રૂપિયા લંડન વર્ક પરમિટ વિઝા માટે લઇ છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સોજીત્રા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.