Anand News: કરમસદ-આણંદ મનપામાં રોગચાળા પર નિયંત્રણ, મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં નોંધપાત્ર ઘટાડો

ડેન્ગ્યુના કેસો પણ વર્ષ 2024માં 66 હતા, જે વર્ષ 2025માં ઘટીને 36 થઈ ગયા છે. ખાસ કરીને આણંદ સિટીમાં ડેન્ગ્યુના કેસો 44 થી ઘટીને 29 થયા છે

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 02 Jan 2026 06:32 PM (IST)Updated: Fri 02 Jan 2026 06:32 PM (IST)
anand-news-malaria-and-dengue-cases-drop-sharply-in-karamsad-amc-area-666875

Anand News: કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા વર્ષ 2025 દરમિયાન વાહકજન્ય રોગચાળા નિયંત્રણ માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવતા મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર ડો. રાજેશ પટેલના માર્ગદર્શન હેઠળ થયેલી આ કામગીરીના પરિણામે, વર્ષ 2024ની સરખામણીમાં મેલેરિયાના કેસો 9 થી ઘટીને 2 અને ડેન્ગ્યુના કેસો 66 થી ઘટીને 36 થયા છે. આ સફળતા પાછળ મચ્છર ઉત્પત્તિ સ્થાનો પર દંડ વસૂલવા સહિતના કડક પગલાં કારણભૂત રહ્યા છે.

કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે મનપાના કમિશનરના માર્ગદર્શન હેઠળ મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર ડૉ. રાજેશ પટેલના સઘન માર્ગદર્શન અને દેખરેખ હેઠળ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વાહકજન્ય રોગચાળાના નિયંત્રણ માટે વર્ષ 2025 દરમિયાન અસરકારક કામગીરી કરવામાં આવી છે. આ કામગીરીના પરિણામે, વર્ષ 2024ની સરખામણીમાં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. અર્બન મેલેરિયા સ્કીમ (UMS) ની ટીમો અને અન્ય આરોગ્ય કેન્દ્રોએ વિદ્યાનગર, આણંદ સિટી, કરમસદ, બાકરોલ, મોગરી, જીટોડીયા, લાંભવેલ તથા ગામડી વિસ્તારોમાં સંયુક્ત કામગીરી કરીને આ સિદ્ધિ મેળવી છે.

ડોક્ટર રાજેશ પટેલના જણાવ્યા મુજબ મહાનગરપાલિકાના સમગ્ર વિસ્તારમાં મેલેરિયા અને ડેન્ગ્યુના કુલ કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે નાગરિકોના સ્વાસ્થ્ય માટે મોટી રાહત સમાન છે. વર્ષ 2024 દરમિયાન મહાનગરપાલિકાના સમગ્ર વિસ્તારમાં મેલેરિયાના કુલ 9 કેસ હતા, જે વર્ષ 2025માં ઘટીને માત્ર 2 કેસ થઈ ગયા છે. ડેન્ગ્યુના કેસો પણ વર્ષ 2024માં 66 હતા, જે વર્ષ 2025માં ઘટીને 36 થઈ ગયા છે. ખાસ કરીને આણંદ સિટીમાં ડેન્ગ્યુના કેસો 44 થી ઘટીને 29 થયા છે, તેવી જ રીતે કરમસદમાં 12 કેસો હતા જ ઘટીને 4 અને વિદ્યાનગરમાં 10 કેસોમાંથી ઘટીને 3 થયા છે. આરોગ્ય વિભાગની સફળતામાં કાયદાનું કડક અમલ પણ મહત્ત્વનું પરિબળ રહ્યું છે. વાહકજન્ય રોગ અટકાવવા અંતર્ગત મહાનગરપાલિકા વિસ્તારમાં દંડ વસૂલ કરવાની અને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

હેલ્થ વિભાગની ટીમ દ્વારા વર્ષ 2025 દરમિયાન મોટા પ્રમાણમાં પોરા ઉત્પન્ન થતા સ્થાનોને નોટિસ આપીને નોટિફિકેશન એક્ટની અમલવારી કરવામાં આવી હતી. વર્ષ દરમિયાન 71 જેટલા કોમર્શિયલ કોમ્પ્લેક્ષ, મોલ થીયેટ, 34 જેટલી બાંધકામ સાઈટો, 20 જેટલી હોસ્પિટલો, 37 જેટલી ટાયરની દુકાન, 25 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ, 14 જેટલી અન્ય સંસ્થાઓ અને 90 જેટલી ખાનગી સંસ્થાઓ – દુકાનોમાં મોટા પ્રમાણમાં મચ્છર ઉત્પતિ સ્થાનો જોવા મળતા તેમને નોટિસ આપીને નોટિફિકેશન એક્ટની અમલવારી કરી તેમની પાસેથી કુલ રૂપિયા 4,26,300નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે તેમ મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર ડોક્ટર રાજેશ પટેલે વધુમાં જણાવ્યું છે.