મજબૂતીની સંપૂર્ણ ચકાસણી પૂર્ણ થતાં જ ગંભીરાનો નવો બ્રિજ ટૂંક સમયમાં વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાશે

બ્રિજની મજબૂતી સુનિશ્ચિત કરવા માટે વધુ ત્રણ મહત્વપૂર્ણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 'પુલ આઉટ ટેસ્ટ' દ્વારા પિલર્સ, સ્લેબ અને ગર્ડરમાં વપરાયેલા સળિયા તથા એન્કર બોલ્ટની કોંક્રિટ સાથેની પકડ ચકાસવામાં આવી હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 14 Sep 2026 04:28 PM (IST)Updated: Mon, 14 Sep 2026 04:28 PM (IST)
anand-news-gambhira-bridge-inauguration-delayed-safety-checks-underway-before-opening

Anand News: આંકલાવ તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદી પર તૈયાર કરવામાં આવેલો નવો ગંભીરા બ્રિજ હવે લોકાર્પણના આરે પહોંચ્યો છે. માત્ર એક વર્ષ જેવા અત્યંત ટૂંકા ગાળામાં બ્રિજનું સિવિલ વર્ક પૂર્ણ થઈ ગયું હતું અને પ્રશાસન દ્વારા તેના ઉદ્ઘાટન માટે મંજૂરી પણ માંગવામાં આવી હતી. જોકે, ભૂતકાળમાં પુલ ધરાશાયી થવાની ઘટનાઓને ગંભીરતાથી લઈને સરકારે કોઈપણ પ્રકારની ઉતાવળ કરવાને બદલે બ્રિજની સુરક્ષા અને ટકાઉપણાની બારીકાઈથી તપાસ કરવા માટે ખાસ આદેશ આપ્યા હતા, જેના કારણે તેનું લોકાર્પણ થોડા સમય માટે અટકાવવામાં આવ્યું હતું.

સરકારની સૂચના મુજબ માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજની મજબૂતી સુનિશ્ચિત કરવા માટે વધુ ત્રણ મહત્વપૂર્ણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 'પુલ આઉટ ટેસ્ટ' દ્વારા પિલર્સ, સ્લેબ અને ગર્ડરમાં વપરાયેલા સળિયા તથા એન્કર બોલ્ટની કોંક્રિટ સાથેની પકડ ચકાસવામાં આવી હતી. આ ઉપરાંત, બ્રિજ પર આધુનિક સેન્સર્સ લગાવીને 'વાઇબ્રેશન મોનિટરિંગ ટેસ્ટ' દ્વારા વજન અને વાહનોની અવરજવર સમયે થતી ધ્રુજારીનું સચોટ માપન કરાયું હતું. સાથોસાથ, ડિઝાઇન સર્કલ અને એન્જિનિયરોની ટીમે સ્થળ પર 'ફિઝિકલ ટેસ્ટ' કરીને બ્રિજના તમામ મહત્વના પિલર્સનું પ્રત્યક્ષ નિરીક્ષણ અને માપણી કરી હતી.

આ બ્રિજના નિર્માણમાં નદીના પાણીના પ્રહારથી પાયાને રક્ષણ આપવા માટે ખાસ 'પ્રિકાસ્ટ સેક્રિફિશિયલ પ્લેટ' ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કોંક્રિટનું આ વિશેષ સ્તર નદીના ઝડપી વહેણ, પથ્થરોના ઘસારા અને રાસાયણિક અસરો સામે બ્રિજના પિલર્સને સુરક્ષિત રાખશે.

વધુમાં, બ્રિજના તમામ 23 સ્પાન પર 280 ટન જેટલું વજન આપીને તેની ભાર વહન કરવાની ક્ષમતા પણ સફળતાપૂર્વક ચકાસી લેવામાં આવી છે. તમામ જરૂરી ટેસ્ટિંગ અને ટેકનિકલ તપાસ પૂર્ણ થઈ ગઈ હોવાથી, હવે આગામી 10 દિવસની અંદર જ આ નવો બ્રિજ વાહનચાલકો માટે ખુલ્લો મૂકી દેવાય તેવી પ્રબળ સંભાવના સેવાઈ રહી છે.