Anand News: પેટલાદ તાલુકામાં આંતરમાળખાકીય સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના અભિગમ સાથે આજે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મહત્વપૂર્ણ વિકાસકાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નાણા રાજ્યમંત્રી કમલેશ પટેલના હસ્તે પેટલાદ તાલુકાના કુલ 4 ગરનાળાનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.
મંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે અંદાજિત 2.45 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આ ગરનાળાઓ આગામી સમયમાં સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતો માટે પરિવહન ક્ષેત્રે આશીર્વાદરૂપ સાબિત થશે.
તેમણે વધુમાં ઉમેર્યું કે આ વિકાસલક્ષી કાર્યો અંતર્ગત વિશ્રામપુરાથી રૂપિયાપુરા સીમ વિસ્તાર ઉપરનું ગરનાળું, દાવલપુરા ઉપરનું ગરનાળું, જોગણ સ્ટેટ હાઇવેથી સીમ વિસ્તારનું ગરનાળું તેમજ સરદારપુરા સ્ટેટ હાઇવે ઉપરના ગરનાળાનો સમાવેશ થાય છે. આ ચારેય વિકાસકામો પાછળ અંદાજિત કુલ 2.45 કરોડનો ખર્ચ કરવામાં આવશે, જેનાથી સીમ વિસ્તારોમાં ખેતીવાડી અને સામાન્ય આવાગમનમાં પડતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ આવશે તેમ કહીને સરકારની વિકાસ પ્રત્યેની કટિબદ્ધતા દોહરાવી હતી.
ખાતમુહૂર્તના આ અવસરે પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ રણજીતસિંહ પરમાર, ઉપપ્રમુખ જ્યોતિબેન સોલંકી, જિલ્લા પંચાયત સભ્ય જગદીશ વણકર, તાલુકા પંચાયત સભ્ય દિનેશ ઠાકોર, જીતુ પટેલ, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર અંકુર રાઠોડ, અગ્રણી વિજય ચાવડા, કેયુર બારોટ અને જિલ્લા પંચાયત પૂર્વ આરોગ્ય ચેરમેન પ્રકાશ પટેલ, સુનિલ રાજપૂત, રાજેન્દ્ર પરમાર અને જીગ્નેશ પટેલ સહિત વિશ્રામપુરાના સરપંચ રમણ ઠાકોર તથા શાહપુરના સરપંચ અરવિંદ ઠાકોર સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
