Anand: આણંદ SOGની ટીમે પેટલાદમાં બોગસ માર્કશીટ થકી વિદેશ મોકલવા માટેના ચાલતા કૌભાંડનો પર્દાફાશ કરીને 1 ઈસમની ધરપકડ કરી છે. SOGની ટીમે પેટલાદની વી હેલ્પ કન્સલ્ટન્સી એન્ડ માઈગ્રેશન સર્વિસમાં દરોડો પાડીને ત્યાંથી સરદાર પટેલ અને ગુજરાત યુનિવર્સિટીની માર્કશીટ સહિતના બોગસ ડોક્યુમેન્ટ જપ્ત કર્યાં છે.
આણંદ SOGની ટીમને બાતમી મળી હતી કે, શેખડી ગામનો કિરણ પટેલ પેટલાદના સરદાર પટેલ સુપર માર્કેટમાં વી હેલ્પ કન્સલ્ટન્સી એન્ડ માઈગ્રેશન સર્વિસ નામો ઑફિસ ખોલીને વિદેશ જવા ઈચ્છુક લોકોને બોગસ માર્કશિટ અને ડોક્યુમેન્ટ તૈયાર કરી આપે છે.
આ બાતમીના આધારે SOGની ટીમે કિરણ પટેલની ઑફિસમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી, વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીની બોગસ માર્કશીટ મળી 199 ફેક સર્ટીફિકેટ મળી આવ્યા હતા. આ ઉપરાંત આશિષ હોસ્પિટલ ડૉ. જીગર જોશીના લેટર પેડ તેમજ સહી સિક્કાવાળા સર્ટીફિકેટ સહિત અલગ-અલગ યુનિવર્સિટીના રબ્બર સ્ટેમ્પ, સ્ટેમ્પ પેડ અને કોરા કવર મળી આવ્યા હતા. હાલ તો પોલીસે તમામ ડૉક્યુમેન્ટ જપ્ત કરીને કિરણકુમારની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
