Anand: આણંદ જિલ્લાના ઉમેટા બ્રિજ પરથી દારૂના નશામાં ધૂત મહિલાએ મહીસાગર નદીમાં પડતું મૂક્યું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જો કે આ સમયે નદીમાં હોડીઓ લઈને ફરતા માછીમારોએ તાત્કાલિક મહિલાને બચાવી લેતા તેનો જીવ બચી ગયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, એક મહિલા ઉમેટા બ્રિજ પર આવી પહોંચી હતી. જ્યાં લોકો કંઈ સમયે તે પહેલા જ મહિલા બ્રિજની પાળી પર ચડી ગઈ અને મહીસાગર નદીમાં કૂદી પડી હતી. આ દ્રશ્ય નિહાળીને બ્રિજ પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકોએ બૂમાબૂમ કરી મૂકી હતી.
જેને પગલે નદીમાં માછીમારી કરી રહેલા માછીમારો તરત જ પોતાની બોટ લઈને મહિલાની પાસે પહોંચ્યા હતા અને તેને પાણીમાંથી બહાર કાઢીને ડૂબતી બચાવી લીધી હતી. બીજી તરફ આ બનાવની જાણ થતાં આંકલાવ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં નદીમાં પડતું મૂકનાર મહિલાની ઓળખ સુશિલા પઢિયાર (38) તરીકે થઈ છે. આંકલાવ શહેરના નવાખલ રોડ પર રહેતી સુશિલા અને તેનો પતિ બન્ને દારૂ પીવાની ટેવ ધરાવે છે. આ દંપતી અવારનવાર સાથે દારૂ પીધા પછી ઝઘડા કરતું રહે છે.
જ્યારે આ બનાવ બન્યો તે દિવસે પણ સુશિલાએ પતિ સાથે દારૂ ઢીંચ્યો હતો. જે બાદ જમવા બાબત દંપતી વચ્ચે માથાકૂટ થઈ હતી. જેથી નશામાં ધૂત સુશિલા આપઘાત કરવાના ઈરાદે ઘરેથી નીકળી હતી અને નદીમાં ભૂસકો માર્યો હતો.હાલ તો આ સમગ્ર મામલે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
