Anand: મહી નદીમાં ન્હાવા પડેલા એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, સ્થાનિક તરવૈયાઓએ બે મહિલા અને બે યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 06 Jun 2024 09:21 PM (IST)Updated: Thu, 06 Jun 2024 09:21 PM (IST)
anand-news-4-died-due-to-drown-in-mahi-river-near-khanpur

Anand: એકતરફ ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે. જેનાથી રાહત મેળવવા માટે લોકો રિસોર્ટ અને નદીમાં ન્હાવા જતાં હોય છે.જો કે ઘણી વખત ન્હાવાની મજા તેમનો જીવ લઈ લેતી હોય છે. છેલ્લા કેટલાક સમયથી ન્હાવા પડેલા લોકો ડૂબીને મોતને ભેટ્યા હોય તેવા બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. આવો જ વધુ એક બનાવ આણંદ જિલ્લામાંથી સામે આવ્યો છે. જેમાં મહી નદીમાં ન્હાવા પડેલા 4 લોકોના ડૂબીને મોત થયા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગામડી ગામનો પરિવાર ખાનપુર નજીકથી પસાર થતી મહી નદીમાં ન્હાવા પડ્યો હતો. આ દરમિયાન પરિવારના સભ્યો એક પછી એક ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા.

આ બાબતની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓ દ્વારા ચારેયના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં બે મહિલા અને બે યુવકોનો સમાવેશ થાય છે. આ ઘટનાની જાણ થતાં ખંભોળજ પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ જ્યોતિ વાઘેલા, વૈશુ વાઘેલા, સુરેશ વાઘેલા અને પ્રકાશ વાઘેલા તરીકે છે. હાલ તો પોલીસ દ્વારા તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીના આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જણાવી દઈએ કે, થોડા દિવસ અગાઉ ગળતેશ્વરની મહી નદીમાં ન્હાવા પડેલા અમદાવાદના ચાર યુવકો ડૂબ્યા હતા. જે પૈકી ત્રણના મોત થયા હતા. જેમાં અમદાવાદથી ચાર મિત્રો ગળતેશ્વર ખાતે મહી નદીમાં ન્હાવા આવ્યા હતા. જો કે રવિવારની રજા હોવાથી ભીડ વધારે હોવાથી આ ચારેય યુવકો નદીમાં આગળ ગયા હતા, જ્યાં પાણી ઊંડૂ હોવાથી ચારેય યુવકો ડૂબવા લાગ્યા હતા.