Anand News: પેટલાદ તાલુકાના સિલવઈ ગામે ઝાડા ઉલટીના કુલ 29 કેસ નોંધાયા, 9 દર્દીઓ સારવાર હેઠળ

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 02 Jun 2024 04:59 PM (IST)Updated: Sun, 02 Jun 2024 04:59 PM (IST)
anand-news-29-cases-of-diarrhea-and-vomiting-were-reported-in-silwai-village-of-petlad-9-patients-under-treatment

Anand News: પેટલાદ તાલુકાના સિલવઈ ગામે ઝાડા-ઉલ્ટીના કેસ મળી આવતાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે દર્દીઓની તપાસ, સારવાર, ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. પેટલાદ તાલુકાના સિલવઈ ગામે ઝાડા ઉલટીના કુલ 29 કેસ નોંધાયા છે. જેમાંથી હાલ 9 દર્દી સારવાર હેઠળ છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. દિપક પરમાર દ્વારા આરોગ્ય વિભાગની 4 ટીમ બનાવવામાં આવી છે,  જે સિલવઈ ગામ ખાતે ઘેર ઘેર ફરીને ઝાડા- ઉલટી ના કેસની તપાસ હાથ ધરી રહ્યા છે. આ ટીમ દ્વારા ક્લોરિનેશન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, ઓ. આર. એસ. પેકેટ અને ક્લોરિન ટેબલેટનું વિતરણ  કરવામાં આવી રહ્યું છે. સિલવઈ ગામ ખાતે ખાનગી કુવાનું પાણી પીવાથી કુલ 29 જેટલા દર્દીઓને ઝાડા ઉલટીની અસર થઈ હતી તે પૈકી 20 દર્દીઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ બન્યા છે અને હાલ માત્ર 09 દર્દીઓ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ છે.

એપેડેમિક મેડિકલ ઓફિસર ડોક્ટર રાજેશ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર, તાલુકાના હેલ્થ સ્ટાફ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા પેટલાદ તાલુકાના સિલવઈ ગામે ઘેર ઘેર રૂબરૂ જઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલ સિલવઈ ગામ ખાતે ઝાડા ઉલટીનો રોગચાળો સંપૂર્ણ કંટ્રોલમાં છે, એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. ગ્રામજનોને ગરમીમાં  તાજો ખોરાક ખાવા, ગરમ કરેલું અથવા કલોરીન વાળું પાણી પીવા અપીલ કરવામાં આવી છે.