Anand News: ઉમરેઠ તાલુકામાં રોગચાળા (ઝાડા-ઉલ્ટીના કેસો) અટકાવવા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય શિક્ષણ, ક્લોરીનેશન, રોગચાળા બાબતે સર્વે તથા સારવારની કામગીરી હાથ ધરાઈ છે. આરોગ્યની 20 ટીમો દ્વારા 164 ઓ.આર.એસ. પેકેટ તથા 1401 જેટલી ક્લોરીન ગોળીનું વિતરણ કરાયું છે.
જિલ્લા એપેડેમિક ઓફિસર ડૉ. રાજેશ પટેલના સુપરવીઝન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, થામણાના ડૉ. જે.એમ.મૌર્ય અને તેમની ટીમ દ્વારા તુરંત જ અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને સર્વેલન્સ, ક્લોરીનેશન, આરોગ્ય શિક્ષણ અને સારવારની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તેમજ ડૉ. રાજેશ પટેલ, મામલતદાર એન.પી.પારેખ અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. દર્શિત પટેલ દ્વારા વડાબજાર, ગોલવાડ, ભગવાન વગો, ખાટકીવાડ, કાજીવાડો અને જાગનાથ ભાગોળ સહિતના અસરગ્રસ્ત વિસ્તારોની અને સામુહિક આરોગ્ય કેન્દ્ર, ઉમરેઠ ખાતે દાખલ દર્દીઓની મુલાકાત લઈ તમામ વિસ્તારોમાં લોકોને વધુમાં વધુ સ્વચ્છતા જાળવવા અને ક્લોરીનેશન વાળું પાણી જ ઉપયોગમાં લેવા જણાવ્યું હતું.
આ પણ વાંચો
જે અન્વયે ઉમરેઠ શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં કુલ 70 જેટલાં ઝાડા-ઉલ્ટીના નવા કેસો જોવા મળ્યા છે જેમાંથી 43 કેસોમાં સ્થળ ઉપર જ સારવાર આપવામાં આવી છે જ્યારે 27 જેટલાં દર્દીઓને આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરી સારવાર આપવામા આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા કુલ પીવાના પાણીના 5 સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે 164 ઓ.આર.એસ. પેકેટ તથા 1401 જેટલી ક્લોરીન ગોળીનું વિતરણ કરવામાં આવ્યું છે. આરોગ્યની કુલ- 20 ટીમો દ્વારા ઘરે ઘરે મુલાકાત કરીને આરોગ્ય શિક્ષણ તથા રોગચાળા બાબતે સર્વેની કામગીરી કરવામાં આવી છે તથા લોકોને પાણી ઉકાળીને પીવા અથવા ક્લોરીનયુક્ત પાણી પીવા તેમજ તાજો અને ઘરનો જ ખોરાક ખાવા, જમતા પહેલા હાથ ધોવા જેવી બાબતો અંગે સમજણ આપવામાં આવી છે.
