આણંદ નજીક એક્સપ્રેસ હાઇવે પર ભયાનક અકસ્માત: લક્ઝરી બસ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 5ના મોત, 5 ગંભીર ઈજાગ્રસ્ત

આણંદના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે સુરતથી રાજસ્થાન જઈ રહેલી એક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 30 Sep 2026 10:11 AM (IST)Updated: Wed, 30 Sep 2026 10:11 AM (IST)
anand-highway-accident-5-killed-4-injured-as-surat-rajasthan-bus-crashes

Anand Highway Accident: આણંદના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે સુરતથી રાજસ્થાન જઈ રહેલી એક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. આ ગંભીર દુર્ઘટનામાં 5 મુસાફરોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હોવાના અહેવાલ છે. જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડીને ઇજાગ્રસ્તોની મદદ કરી હતી.

આણંદ નજીક બસનો મોટો અકસ્માત

મળતી માહિતી મુજબ, સુરતની 'સાઈ દર્શન ટ્રાવેલ્સ'થીલક્ઝરી બસ રાજસ્થાન ખાતે જઈ રહી હતી. આજ રોજ બુધવારે વહેલી સવારે સવારના 4 વાગ્યે બસ વડોદરા- અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર આણંદથી નડિયાદ તરફથી જઈ રહી હતી. ત્યારે અચાનક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. દુર્ઘટના સમયે બસમાં સવાર મુસાફરો ગાઢ નિદ્રામાં હતા. અચાનક થયેલી ટક્કરથી મુસાફરો ચીસાચીસ કરવા લાગ્યા હતા.

પાંચ લોકોના ઘટનાસ્થળે મોત

ગંભીર દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને રાહત ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ અને સ્થાનિકોની મદદથી બસમાં ફસાયેલા પેસેન્જરોને બહાર કઢાયા હતા.ગંભીર રીતે ઈજાગ્રસ્ત 5 મુસાફરોને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જ્યારે પાંચ લોકોના મોત થતાં તેમના મૃતદેહોને પીએમ માટે મોકલી આપવામાં આવ્યા છે. હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે વાહન વ્યવહાર હળવો કર્યો

પોલીસે ઘટનાસ્થળે પહોંચી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને આ અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ ઓવરટેકિંગ દરમિયાન ચાલકે નિયંત્રણ ગુમાવતા કે અચાનક જોકું આવી જતાં આ ઘટના બની હોવાની આશંકા સેવાઈ રહી છે. વહેલી સવારે સર્જાયેલા આ કરુણ અકસ્માતને પગલે મૃતકોના પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.