Janmashtami Special Train: પવિત્ર જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને પશ્ચિમ રેલવે દ્વારા કૃષ્ણભક્તો માટે એક આનંદાયક અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જન્માષ્ટમી પર્વે પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રાજા રણછોડરાયજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. આ ભીડને ધ્યાનમાં રાખીને તથા મુસાફરોની સુવિધા માટે વડોદરા મંડળ દ્વારા આણંદ અને ડાકોર વચ્ચે વિશેષ ભાડા સાથે 'અનરિઝર્વ્ડ' સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે.
આણંદ-ડાકોર સ્પેશિયલ ટ્રેનનું શિડ્યુલ અને સમય
વડોદરા મંડળના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 09127/09128 આણંદ-ડાકોર-આણંદ જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેનનો 1 ફાળવેલ ફેરો રહેશે.
આણંદથી ડાકોર (ટ્રેન નં. 09127): 4 સપ્ટેમ્બર, 2026ના રોજ રાત્રે 22:20 કલાકે આણંદ સ્ટેશનથી પ્રસ્થાન કરશે અને તે જ રાત્રે 23:15 કલાકે ડાકોર પહોંચશે.
ડાકોરથી આણંદ (ટ્રેન નં. 09128): 5 સપ્ટેમ્બર, 2026ના રોજ રાત્રે 02:00 કલાકે ડાકોરથી રવાના થશે અને રાત્રે 02:55 કલાકે આણંદ પરત પહોંચશે.
રૂટ અને કોચની વિગતો
યાત્રાળુઓની સરળતા માટે આ સ્પેશિયલ ટ્રેનમાં તમામ કોચ જનરલ શ્રેણીના (Unreserved) રાખવામાં આવ્યા છે, જેથી શ્રદ્ધાળુઓ એડવાન્સ બુકિંગ વગર પણ સહેલાઈથી મુસાફરી કરી શકશે. પોતાની મુસાફરી દરમિયાન આ ટ્રેન બંને દિશામાં માત્ર ઉમરેઠ સ્ટેશન પર રોકાણ કરશે.
જન્માષ્ટમી પર્વે ડાકોર જવા માંગતા ભક્તો ટ્રેનના સમય અને અન્ય માહિતી માટે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.
