Anand News: વિદેશમાં નોકરી અને ભણવા જતાં ભારતીયો પર ઘણીવાર હુમલા થયાની અને હત્યાના બનાવો અવારનવાર સામે આવતા રહે છે. ત્યારે કેનેડામાં એક ભારતીય યુવતીની લૂંટના ઈરાદે હત્યા કરી દેવાઈ છે. મળતી વિગતો મુજબ,આણંદ જિલ્લાના બોરસદની રહેવાસી વિધિ કલ્પેશકુમાર મેઘા નામની યુવતી 4 વર્ષ પહેલા કેનેડા ગઈ હતી. જ્યાં તે નાયગ્રા ખાતે રહીને અભ્યાસ કરતી હતી.
બોરસદની યુવતીની હત્યા કરાઈ
નાયગ્રામાં અભ્યાસની સાથે સાથે તે વર્ક પરમિટની પણ તૈયારી કરી રહી હતી. ત્યારે ગત 15 મેના રોજ 22 વર્ષીય વિધિ ઘરેથી બહાર જઈ રહી હતી. તેવામાં લૂંટના ઈરાદે આવેલા એક શખ્સે યુવતી પર ધારદાર ચપ્પુ વડે ભયાનક હુમલો કરી દીધો હતો. જેના લીધે યુવતી લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ફસડાઈ ગઈ હતી.ઘટના જાહેર સ્થળ પર બની હોવાથી લોકો હેબતાઈ ગયા હતા.
આરોપીની ધરપકડ કરાઈ
સ્થાનિકો યુવતીને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે યુવતીને મૃત જાહેર કરી દીધી હતી. આ બનાવની જાણ થતા કેનેડાની પોલીસે આરોપી શખ્સની ધરપકડ કરી લીધી છે. વિદેશમાં વસતા ભારતીયો પર હુમલાની ઘટનાઓમાં દિનપ્રતિદિન વધારો થતો રહ્યો છે
