Anand News: રાજ્યમાં ભ્રષ્ટ અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે, છતાં પણ કેટલાક અધિકારીઓ લાંચ લેતાં અચકાતા નથી. તાજેતરમાં આણંદ જિલ્લાના આંકલાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર રાજદીપસિંહ ભગવતસિંહ વણાર રુ. 40,000ની લાંચ લેતાં પોતાના જ પોલીસ સ્ટેશનની ચેમ્બરમાંથી રંગેહાથ પકડાઈ જતાં સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.
પોલીસ અધિકારીએ લાંચની માંગ કરી
મળતી માહિતી અનુસાર, આંકલાવ પોલીસ સ્ટેશનના PI રાજદીપસિંહ વણારે એક સ્થાનીય વેપારી (ફરિયાદી)ને પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા. ત્યાં તેમણે વેપારીની ફેક્ટરી પ્રદૂષણ ફેલાવતી હોવાનો આક્ષેપ મૂકીને ફેક્ટરીને તાળું મારી દેવાની ધમકી આપી હતી. કાયદાકીય કાર્યવાહીનો ડર બતાવીને PI વણારે શરૂઆતમાં ફરિયાદી પાસે દોઢ ટનનું એસી આપવાની માંગણી કરી હતી.
ફરિયાદીએ ACBમાં ફરિયાદ કરી
જોકે, ફરિયાદીએ પોતાની આર્થિક અસમર્થતા દર્શાવતાં અને એસી આપવાની ના પાડતાં, PIએ મામલો રફેદફે કરવા માટે અવેજ પેટે રુ. 40,000 રોકડા આપવા માટે દબાણ કર્યું હતું. પોલીસ અધિકારીની આ ગેરકાયદે માંગણી સામે ઝૂકવાને બદલે ફરિયાદીએ હિંમત દર્શાવી આણંદ ACB કચેરીનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર વિગત જણાવી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACBની ટીમે તાત્કાલિક લાંચનું છટકું ગોઠવ્યું હતું.
ACBના છટકામાં PI ફસાયા
આયોજન મુજબ, ફરિયાદી લાંચની રકમ રુ. 40,000 લઈને આંકલાવ પોલીસ સ્ટેશન ખાતે PI રાજદીપસિંહ વણારની ચેમ્બરમાં પહોંચ્યા હતા. PI વણારે લાંચ અંગે વાતચીત કરીને જેવા નાણાં સ્વીકાર્યા, કે તરત જ આસપાસ ગોઠવાયેલી ACBની ટીમે દરોડો પાડીને તેમને રંગેહાથ ઝડપી લીધા હતા. ACBએ સ્થળ પરથી લાંચની સમગ્ર રકમ પણ કબ્જે કરી લીધી છે.
PI સામે ગુનો નોંધી કાર્યવાહી
પોલીસ સ્ટેશનની અંદર જ પીઆઈ કક્ષાના ઉચ્ચ અધિકારી લાંચ લેતાં પકડાતા સમગ્ર આણંદ જિલ્લા સહિત રાજ્યના પોલીસ વિભાગમાં ભારે સન્નાટો છવાઈ ગયો છે. અગાઉ ફેક્ટરી બંધ કરવાની ધમકી આપી એસી અને ત્યારબાદ રોકડની માંગણી કરવાના આ ગંભીર કિસ્સા બાદ ACBએ PI સામે કાયદેસરની ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
