Ahmedabad Mumbai Bullet Train: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમા અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા ગુજરાત અને મુંબઇમાં બનવા જઇ રહેલા સ્ટેશનોની થીમ અંગેની વિગતો આપવામાં આવી હતી. જેમાં આ હાઇ સ્પીડ રેલ કોરિડોરમાં બની રહેલા 12 સ્ટેશનોની થીમ જાહેર કરાઈ હતી. જેમાં ગુજરાતમાં 8 અને મુંબઇમાં 4 સ્ટેશનનું નિર્માણ કરવામાં આવી રહ્યું. જે અંતર્ગત આણંદ બુલેટ ટ્રેન સ્ટેશન માટે ડિસેમ્બર 2021માં પાયાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. હાલ 100 ટકા કોન્કોર્સ સ્લેબ, ટ્રેક સ્લેબ અને સ્ટ્રક્ચરલ સ્ટીલનું કામ પૂર્ણ થયું છે.
કેવું હશે આણંદનું બુલેટ ટ્રેનનું સ્ટેશન
આણંદમાં તૈયાર થયેલા બુલેટ ટ્રેનના સ્ટેશનની થીમ, ડિઝાઇન અને સ્ટેશનની વિશેષતા અંગે વાત કરીએ તો આણંદ એચએસઆર સ્ટેશનના આગળના ભાગ અને અંદરના ભાગની ડિઝાઇન અને થીમ દૂધ તથા શ્વેત ક્રાંતિને પ્રદર્શિત કરશે. આ સ્ટેશન પર ત્રણ માળ (ભોંયતળિયું, કોનકોર્સ અને પ્લેટફોર્મ) હશે, જેમાં બે બાજુ પ્લેટફોર્મ અને વચ્ચે રેલવેના 4 પાટા હશે. તે તમામ આધુનિક અને અદ્યતન સાધનો અને સુવિધાઓથી સજ્જ હશે. જેમાં ટિકિટ લેવાની જગ્યા અને પ્રતીક્ષાલય, બિઝનેસ ક્લાસ લાઉન્જ, નર્સરી, આરામગૃહ, માહિતી કેન્દ્રો, રિટેલ સેન્ટર્સ વગેરે હશે. તદુપરાંત, કુદરતી પ્રકાશ માટે છત અને બાહ્ય બાજુઓ પર અવકાશી પ્રકાશની જોગવાઈઓ હાજર રહેશે.
આણંદ બુલેટ ટ્રેન સ્ટેશનની મુખ્ય વિશેષતાઓઆણંદ બુલેટ ટ્રેન સ્ટેશનની મુખ્ય વિશેષતાઓ
- પ્લેટફોર્મની લંબાઈ - 415 મીટર
- સ્ટેશનની ઊંચાઈ - 25.6 મીટર
- કુલ બાંધકામની જગ્યા - 44,073 ચોરસ મીટર
આણંદ બુલેટ ટ્રેન સ્ટેશનમાં પીકઅપ-ડ્રોપની ખાસ વ્યવસ્થા
આણંદ સ્ટેશનની એક તરફ રાષ્ટ્રીય ધોરીમાર્ગ -64 અને બીજી તરફ રાજ્ય ધોરીમાર્ગ -150 સાથે જોડાણ માટે વધારાની જમીન હસ્તગત કરી છે. મલ્ટિમોડલ ટ્રાફિક ઇન્ટિગ્રેશન પ્લાન તમામ વાહનો (જાહેર અને ખાનગી)ની સરળ, ઝડપી, સુરક્ષિત અને આરામદાયક અવરજવર સુનિશ્ચિત કરશે. પાર્કિંગ અને લેવા / મૂકવાની સુવિધાઓની યોજના બનાવતી વખતે સ્ટેશન વિસ્તારમાં રાહદારીઓ અને મધ્યવર્તી સાર્વજનિક પરિવહન (આઇપીટી)ની અવરજવર (જેમ કે ઓટો રિક્ષા વગેરે)ને યોગ્ય ધ્યાનમાં લેવામાં આવી છે.
પદયાત્રી પ્લાઝાની જગ્યાની સાથે કાર, ટૂ વ્હીલર, રિક્ષા અને બસ માટે સ્ટેશન બિલ્ડિંગની બાજુમાં યાત્રીઓને લેવા અને મૂકવાનું અને પાર્કિંગ સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે. લેવા અને મૂકવાના અલગ વિસ્તારથી ખાનગી અને જાહેર પરિવહન વાહનો માટે લેવા અને મૂકવાના સમયમાં ઘટાડો થશે અને સ્ટેશન ફોરકોર્ટમાં સરળતાથી અવરજવર થશે અને કામગીરીના પીક અવર્સમાં ભારે ભીડ નહીં જોવા મળે.
આણંદ બુલેટ ટ્રેન સ્ટેશનની નજીક શું?
આણંદ બુલેટ ટ્રેન સ્ટેશનની સૌથી નજીકનું રેલવે સ્ટેશન ઉત્તરસંડા રેલવે સ્ટેશન હશે, જે સ્ટેશનથી લગભગ 600 મીટર પૂર્વમાં સ્થિત છે. જ્યારે સૌથી નજીકનું મુખ્ય સ્ટેશન નડિયાદ જંકશન રેલવે સ્ટેશન હશે, જે સ્ટેશનથી લગભગ 10 કિમી દૂર આવેલું છે. સૌથી નજીકનું એરપોર્ટ વડોદરા એરપોર્ટ હશે, જે 54 કિમી દૂર આવેલું છે, જ્યારે અમદાવાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ સ્ટેશનથી 70 કિમી દૂર આવેલું છે. નિર્માણાધીન સ્ટેશનને આવવા-જવા માટેના પરિવહનના તમામ મૂળભૂત માધ્યમો સાથે સંકલન દ્વારા હબ તરીકે વિકસાવવામાં આવશે, જેથી સ્ટેશન પર આવવા-જવા માટે વધુ સારું, ઝડપી અને મુશ્કેલી વિનાનું જોડાણ મળી શકે.
