ગુજરાતની દીકરીએ ઇતિહાસ રચ્યો: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની પ્રથમ મહિલા પાઇલટ બની ખંભાતની બિલ્કીસનાઝ મિર્ઝા!

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની પ્રથમ મહિલા પાઇલટ બની ગુજરાતની બિલ્કીસનાઝ મિર્ઝા. ખંભાતની દીકરીએ દિલ્હી ખાતે કઠિન પરીક્ષા પાસ કરી સુરત ખાતે તાલીમ શરૂ કરી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 08 Nov 2026 07:46 AM (IST)Updated: Sun, 08 Nov 2026 07:46 AM (IST)
ahmedabad-mumbai-bullet-train-first-female-pilot-bilkisnaz-mirza-khambhat-gujarat
AI IMAGE

First Female Bullet Train Pilot Gujarat: દેશના વડાપ્રધાન પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ગુજરાત માટે ખૂબ જ સન્માનજનક અને ગૌરવાન્વિત કરી દે તેવા સમાચાર સામે આવ્યા છે. દેશના આ અત્યાધુનિક હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે ટ્રેન પાઇલટ તરીકે પસંદ થનારી ગુજરાતની પ્રથમ યુવતી તરીકેનું સન્માન આણંદ જિલ્લામાં આવેલા ખંભાતની દીકરી બિલ્કીસનાઝ મિર્ઝાને મળ્યું છે.

કઠોર મહેનતથી સાકાર કર્યું સ્વપ્ન

ખંભાત જિલ્લાના રહેવાસી બિલ્કીસનાઝે કઠોર મહેનત અને મક્કમ મનોબળની સાથે આ મુકામ મેળવ્યો છે. બિલ્કીસનાઝનું પ્રાઈમરી શિક્ષણ વતન ખંભાતમાં પુરુ થયું ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ મેળવીને કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. બિલ્કીસનાઝે જૂન 2021 દરમિયાન અમદાવાદ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટમાં સ્ટેશન કંટ્રોલર અને ટ્રેન ઓપરેટર તરીકે પોતાની કારકિર્દીની શરુઆત કરી હતી.

આણંદના ખંભાતના વતની એવા બિલ્કીસનાઝે સાલ 2021થી 2026 સુધી ઉત્કૃષ્ટ અને વિશેષ સેવાઓ આપી હતી. જે બાદ નવી દિલ્હીમાં યોજાયેલી અખિલ ભારતીય લેખિત પરીક્ષા અને અત્યંત આકરું ઇન્ટરવ્યૂ પાસ કરીને તેઓએ બુલેટ ટ્રેન પાઇલટના સ્થાને પસંદગી પામ્યા છે. હાલ બિલ્કીસનાઝનું પોસ્ટિંગ સુરત ખાત થયેલું છે. અને અહીં તેઓ હાઈ સ્પીડ રેલ સંચાલનની વિશેષ તાલીમ પ્રાપ્ત કરી રહ્યા છે.

સફળતાનો શ્રેય માતા-પિતાને આપ્યો

બિલ્કીસનાઝ એક પરંપરાગત મુસ્લિમ પરિવારમાંથી આવે છે. તેમ છતાં તેઓ આ અદભુત અને અભૂતપૂર્વ સફર અને સફળતાનો શ્રેય તેમની માતા ગુલનારબેગમ અને પિતા ફૈયાઝહુસૈનને આપ્યો છે. કેમ કે, તેમના અપાર સમર્થન અને આશિર્વાદથી જ તેઓ આ મુકામ હાંસિલ કરી શક્યા હતા.

બિલ્કીસનાઝના જણાવ્યા મુજબ, પરિવારજનોના સાથ સહકાર વગર આ મુકામ અને સિદ્ધિૂ હાંસિલ કરવી અશક્ય હતી. દીકરીઓ અને યુવાનોને ખાસ સંદેશ આપ્યો કે, દેશની દીકરીઓએ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવીને આત્મનિર્ભર બનવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમજ ગ્રામ્ય પંથકમાં વિદ્યાર્થીઓને યોગ્ય કારકિર્દી માટે સચોટ અને ઉત્તમ માર્ગદર્શન મળે તે ખૂબ જ જરૂરી છે.